Get The App

મોટી ખાવડીની આંબાવાડીએ પાણીના સમ્પમાં પડી જતાં વેટરનરી તબીબનું મોત

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
મોટી ખાવડીની આંબાવાડીએ પાણીના સમ્પમાં પડી જતાં વેટરનરી તબીબનું મોત 1 - image

જળ જીવલેણ બન્યું, ડૂબી જવાથી ૩ લોકોએ જીવ ગુમાવ્યા  : માળીયાના મોટા દહીંસરામાં તળાવમાં ન્હાવા પડેલી યુવતીનું તથા ખંભાળિયાના બજાણા ગામે કૂવામાં પડી જતાં યુવાનનું મોત

રાજકોટ, : મોરબી, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં અલગ- અલગ જળસ્ત્રોતમાં ડૂબી જવાથી ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે, જે પૈકી એક બનાવમાં જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની સીમ વિસ્તારમાં આંબાના બગીચામાં પાણીના પંપ હાઉસમાં દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે, જેમાં એક વેટરનરી તબીબનું પાણીના સંપમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

મોટી ખાવડી ગામની સીમમાં આવેલ  આંબાના બગીચામાં પાણીના પંપ હાઉસ ખાતે  પાણીની સમ્પમાં કોઇ પણ કારણસર પડી જવાથી ડૂબી જતા વેટરનરી તબીબ વૈશાખ વિશ્વમ (ઉં.વ. 36)નું મોત થયું હતું.  મૃતક મૂળ કેરાલાના વતની અને હાલ મોટી ખાવડી વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેઘપર પોલીસ ે તપાસ હાથ ધરી છે. 

મોરબીના ત્રાજપર ગામે રહેતી પુજાબેન મનુભાઇ કુંવરીયા (ઉં.વ. 18) નામની યુવતી મોટા દહીંસરા ગામે આવેલા નાના તળાવે કપડાં ધોવા માટે ગઈ હતી. કપડાં ધોતી વખતે તે તળાવમાં ન્હાવા પડી હતી પરંતુ અચાનક પાણીમાં ડૂબવા લાગી હતી. યુવતીને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. 

ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા રામશીભાઈ માલદેભાઈ વાવણોટીયા નામના ૩૫ વર્ષના યુવાન  ગામની સીમમાં આવેલા કૂવામાં અકસ્માતે પગ લપસી જવાના કારણે પડી જતા તેમનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના સ્ટાફે લાંબી જહેમત બાદ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢયો હતો.