વેસુના સી.એ સાથે નવસારી રહેતા મિત્રએ જ રૂ.40 લાખની ઠગાઈ કરી

- આરએમસીનો ધંધો કરતા અંક્તિ શાહે પ્લાન્ટ નાંખવા અને ફ્લેટનો દસ્તાવેજ કરવા સી.એ મિત્ર પ્રિત ઝવેરી પાસે રૂ.30 લાખ લઈ પરત કર્યા નહોતા
- સી.એ પ્રિત ઝવેરીને પૈસા આપવાને બદલે અંકિત શાહે તેને નવી કાર ખરીદવા પોતાના નામે લોન કરવાની વાત કરી ડાઉન પેમેન્ટના રૂ.10 લાખ મેળવી લીધા
સુરત, : સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન સી.એની સાથે નવસારી ખાતે રહેતા અને આરએમસીનો ધંધો કરતા મિત્રએ જ રૂ.40 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.નવસારી આશાનગરમાં રહેતા યુવાને આરએમસીનો પ્લાન્ટ નાંખવા અને ફ્લેટનો દસ્તાવેજ કરવા સી.એ મિત્ર પાસે રૂ.30 લાખ લઈ પરત કર્યા નહોતા.બાદમાં સી.એ મિત્રને પૈસા આપવાને બદલે યુવાને તેને નવી કાર ખરીદવા પોતાના નામે લોન કરવાની વાત કરી ડાઉન પેમેન્ટના રૂ.10 લાખ મેળવી લઈ કારની લોન પાસ થઇ નથી તેમ કહ્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વીઆઈપી રોડ શાંતા ગોદાવરી બંગ્લોઝ બંગલા નં.11 માં રહેતા 34 વર્ષીય સી.એ પ્રિતભાઈ શૈલેષકુમાર ઝવેરી મહિધરપુરા ગોપાલ લોચાની સામે મહાલક્ષ્મી કોમ્પલેક્ષ બીજા માળે એસ.એમ.ઝવેરી એન્ડ કંપનીના નામે ઓફીસ ધરાવે છે.નવસારી આશાનગર નાગતલાવડી રાજવિહાર એપાર્ટમેન્ટ એ વીંગ ફ્લેટ નં.401 માં રહેતા અને આરએમસી ( રેડી મિક્ષ કોંક્રીટ ) નો ધંધો કરતા અંકિતભાઈ મહેન્દ્રભાઈ શાહ છેલ્લા સાત વર્ષથી મિત્ર હોય ઓક્ટોબર 2020 માં તેમણે સચીન પાસે આરએમસી પ્લાન્ટ નાંખવા રૂ.30 લાખ માંગતા પ્રિતભાઈએ તેમને ટુકડેટૂકડે રૂ.26 લાખ આપ્યા હતા.વર્ષ 2023 માં પ્રિતભાઈએ રૂ.26 લાખ પરત માંગતા અંકિતભાઈએ તેમના વેસુના ફ્લેટનો દસ્તાવેજ કરવા રૂ.4 લાખ આપવા કહી બાદમાં ફ્લેટ વેચીને રૂ.30 લાખ ચૂકવવાનો વાયદો કર્યો હતો.

જોકે, તે પૈસા લીધા બાદ અંકિતભાઈએ રૂ.30 લાખ પરત કર્યા નહોતા.વર્ષ 2024 માં પ્રિતભાઈને ફોર્ચ્યુનર કાર ખરીદવી હતી.તેથી તેમણે રૂ.30 લાખ અંક્તિભાઈ પાસે માંગતા તેમણે પૈસાની સગવડ નથી તેમ કહી જો કાર લેવી હોય તો પોતાના નામે લોન કરાવીને તમામ હપ્તા ચુકવવાની તૈયારી દર્શાવતા કારના ડાઉન પેમેન્ટના રૂ.10 લાખ પ્રિતભાઈએ તેમને આપ્યા હતા.જોકે, પૈસા લીધા બાદ અંક્તિભાઈએ પોતાના નામે બીજી કાર ખરીદી હતી અને પ્રિતભાઈને મારી લોન પાસ થઇ નથી તેમ કહી ઠગાઈ કરી હતી.આથી આખરે પ્રિતભાઈએ આજરોજ અંક્તિભાઈ શાહ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









