રૂ. 4 કરોડની નાંણાકી લેતીદેતીના મુદ્દે : વેસુના કાપડ દલાલનું મુંબઇની હોટલમાંથી અપહરણ, ખંડણી પેટે રૂ. 50 લાખની મંગાઇ
- રૂ. 1.20 લાખના દાગીના પડાવ્યા, મામલો પોલીસમાં પહોંચતા અપહરકાર એવા વેપારીઓએ દલાલને છોડી દીધો, મુંબઇ પોલીસની મદદથી બે પકડાયા
- બ્રોકર ધંધાના કામે મુંબઇ ગયા હતા અને સોના હોટલમાં રોકાયા હતાઃ અપહરણકારો દલાલના ઘરે જઇ પત્ની સાથે વાત કરાવી સંબંધીઓ પાસેથી રૂપિયા ભેગા કરવા કહ્યું
સુરત
ધંધાકીય કામ અર્થે મુંબઇ જનાર વેસુમાં રહેતા કાપડ દલાલનું નાંણાકીય લેતીદેતીના મામલે હોટલમાંથી અપહરણ કરી મૂઢ માર મારી ખંડણી પેટે રૂ. 50 લાખની માંગણી કરી રૂ. 1.20 લાખના દાગીના પડાવી લેતા વેસુ પોલીસ દોડતી થઇ ગઇ છે. જો કે મામલો પોલીસમાં પહોંચતા અપૃહ્રત દલાલને અપહરણકાર એવા કાપડ વેપારીઓએ છોડી મુકયો હતો.
વેસુની શ્રૃંગાર રેસીડન્સી સામે શીવ કાર્તિક એન્કલેવમાં રહેતો કાપડ દલાલ રોહિત ચંદનમલજી જૈન (ઉ.વ. 40 મૂળ રહે. વીરવાડા, શિરોહી, રાજસ્થાન) ગત શનિવારે બપોરે 2 વાગ્યાના અરસામાં કામ અર્થે મુંબઇ જવા નીકળ્યો હતો. દરમિયાનમાં રાતે 11 વાગ્યે પત્ની પાયલને ફોન કરી હું મુંબઇ પહોંચી ગયો છું અને હોટલમાં રોકાયો છું એવું કહ્યું હતું. પરંતુ બીજા દિવસે પાયલે ફોન કરતા રોહિતના બંને ફોન બંધ હોવાથી મુંબઇ રહેતા મિત્ર મેહુલનો સંર્પક કરી રોહિત કયાં છે તે તપાસ કરવા કહ્યું હતું. જેથી મેહુલ મુંબઇની સોના હોટલમાં જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વહેલી સવારે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં રોહિતે ચેક આઉટ કર્યુ હતું અને સામાન સાથે બે અજાણ્યા જબરજસ્તી કારમાં બેસાડીને લઇ ગયા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ હતી. દરમિયાનમાં એકાદ કલાક બાદ બે અજાણ્યા રોહિતના ઘરે ગયા હતા તેમણે પોતાના મોબાઇલથી પાયલ સાથે રોહિતની વાત કરાવી હતી. રોહિત ફોન ઉપર વાત કરતા કહ્યું હતું કે હું કયાં છું તે મને ખબર નથી પરંતુ આપણે રૂ. 50 લાખ આપવાના છે, સગાસંબંધી પાસેથી રૂપિયા ભેગા કરીને રાખ નહીં તો વધારે તકલીફ પડશે, રૂપિયા ભેગા થઇ જાય એટલે હું ફોન કરૂ તો તારે ઓકે કહી દેવાનું અને તારી પાસે માણસો પૈસા લેવા આવી જશે. ત્યાર બાદ બંને અજાણ્યા તમારા પતિને છોડાવવા ખંડણી પેટે રૂ. 50 લાખ આપવા પડશે એવી ધમકી આપી ચાલ્યા ગયા હતા અને પુનઃ બે કલાક બાદ પરત આવ્યા હતા. ત્યારે પણ અજાણ્યાએ પોતાના મોબાઇલથી રોહિત અને પાયલ વચ્ચે વાત કરાવી હતી અને રોહિતના કહેવાથી પાયલે પોતાના રૂ. 1.20 લાખના સોનાના દાગીના આપી દીધા હતા. જેથી પાયલ તેની માતા સાથે વેસુ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગઇ હતી પરંતુ ત્યારે પણ બે પૈકીનો એક અજાણ્યાએ પુનઃ ઘરે જઇ રૂપિયાની માંગણી કરી હતી. જો કે મામલો પોલીસમાં પહોંચતા અપહરણકારોએ રોહિતને છોડી મુકયો હતો. ઘટનાને પગલે દોડતી થયેલી વેસુ પોલીસે મુંબઇ પોલીસની મદદથી બે અપહરણકાર એવા વેપારીને ડિટેઇન કરી સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે.
બે મહિના અગાઉ પણ રોહિત જૈનનું અપહરણ કરી રૂ. 2 લાખ પડાવ્યા હતા
કાપડ દલાલ રોહિત જૈન બે મહિના અગાઉ મુંબઇ ગયો હતો ત્યારે પણ નાંણાકીય લેતીદેતી મુદ્દે ચિરાગ અને રાહુલ નામના વેપારીઓએ અપહરણ કર્યુ હતું. જો કે જે તે વખતે રોહિત રૂ. 2 લાખ આપ્યા હોવાથી છોડી મુક્યો હતો. પરંતુ આ બાબતે મુંબઇ ખાતે અપહરણની ફરિયાદ નોંધાવી ન હતી.
અપહરણ પાછળ રૂ. 4 કરોડની લેવડદેવડ કારણભૂત, બંને અપહરણના આરોપીઓ એકબીજાથી પરિચીત
પોલીસની પ્રાથમિક તપાસમાં અપહરણ પાછળ રૂ. 4 કરોડની લેવડદેવડ હોવાનું જાણવા મળ્યું છે. કાપડ દલાલ રોહિતે જે વેપારીઓ પાસેથી માલ અપાવ્યો હતો તેમણે પેમેન્ટ નહીં ચુકવતા પેમેન્ટની તમામ જવાબદારી લેનાર રોહિત જૈન પાસે લેણદાર વેપારીઓએ ઉઘરાણી શરૂ કરી હતી. જો કે આશ્ચર્યની બાબત એ છે કે બે મહિના અગાઉ જે વેપારીઓએ અપહરણ કર્યુ હતું તે વેપારીઓ બે દિવસ અગાઉ અપહરણ કરનાર વેપારીઓથી પરિચીત હોવાનું જાણવા મળ્યું છે.