બોટાદ જિલ્લાના 591 મતદાન મથકોના 5,62,598 મતદારોની ખરાઇ કામગીરી શરૂ

- બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મુલાકાત
- સર કાર્યક્રમ અંતર્ગત એન્યુમરેશન ફોર્મ ભરવામાં અનેક પ્રશ્નોનો સામનો કરતા બીએલઓ
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની સઘન સુધારણા સર કાર્યક્રમના ગઇકાલથી શ્રી ગણેશ થયા છે અને ડોર ટુ ડોર બીએલઓ મુલાકાત લઇ એન્યુમરેશન ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે. બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૦૨ વિધાનસભા મત વિસ્તારના કુલ ૫૯૧ મતદાન મથકોના ૫,૬૨,૫૦૮ મતદારોની ખરાઇ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જે અંગે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ, નોંધણી અધિકારી દ્વારા તમામ બીએલઓને તાલીમ પણ આપવામાં આવી હતી. જે પ્રમાણે કામ શરૂ થયું છે. પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ સર્વે કરતી વેળા એક જ કુટુંબના ભાઇઓને અબોલા હોય, વ્યક્તિ બહારગામ હોય, આંતરીક ઝઘડા, મરણના દાખલા ઉપલબ્ધ ન હોય, બહારગામથી કોઇપણ સુધારા કરાવ્યા વગર ફેર બદલી થઇ હોય તેવા અનેક પ્રશ્નો બીએલઓ સામે આવવા પામ્યા હોવાનું જણાયું છે. જ્યારે આ કામગીરીમાં આધારો અને એન્યુમરેશન ફોર્મમાં સહી પણ મહત્વની રહે છે ત્યારે સર્વેની કામગીરીથી બીએલઓની ફરજ બજાવતા કર્મચારીઓમાં કચવાટ જોવા મળે છે.

