વેરાવળની ધો.12ની વિદ્યાર્થિનીનો નાપાસ થતાં આપઘાત, પ્રાથમિક તપાસમાં હતાશામાં પગલું ભર્યાનો દાવો
Veraval News : બોર્ડની પરીક્ષાએ જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી, પરંતુ તેમ છતાં દર વર્ષે બોર્ડનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં હતાશાને કારણે આત્મઘાતી પગલું ભરી લેવાના બનાવો વધતા રહ્યા છે. ત્યારે વેરાવળથી માતા-પિતા માટે ચેતવણીરૂપ અને દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. વેરાવળમાં ધો. 12 સાયન્સની એક વિદ્યાર્થિનીએ નાપાસ થતાં સોમવારે આપઘાત કરી લીધો હતો.
વેરાવળમાં ગોકુલ ધામ એપાર્ટમેન્ટની પાછળ, 80 ફૂટ રોડ પર રહેતી ધો.12ની વિદ્યાર્થિની શ્રેયાબેન શ્યામનંદ ઝા (ઉ.વ.17)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ સોમવારે આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થિનીનું ધો.12નું પરિણામ નબળું આવતા આ પગલું ભર્યું હોવાનું માલૂમ પડ્યું છે. મૂળ બિહારની વિદ્યાર્થિનીના પિતા કંપનીમાં કામ કરે છે. બનાવના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.