Gujarat

ઓરસંગ અને જામ્બુઆ નદીના જોખમી બ્રિજો પરથી વાહનોની અવરજવર

By GS TEAM
15 Jul 20251 min read
ઓરસંગ અને જામ્બુઆ નદીના જોખમી બ્રિજો પરથી વાહનોની અવરજવર

વડોદરા, તા.15 ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં અનેક બ્રિજોની હાલત ખરાબ હોવાનું બહાર આવ્યું છે. વડોદરા જિલ્લામાં ઓરસંગ તેમજ જામ્બુઆ નદી પરનો બ્રિજ ખખડધજ હાલતમાં  હોવાથી બંને નદી પરના બે બ્રિજો સહિત ત્રણ બ્રિજો નવા બનાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજની ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને તેના આધારે બ્રિજોની સ્થિતિ જાણવા મળી છે. વડોદરા જિલ્લામાં ડભોઇ-તિલકવાડારોડ પર આવેલ ઓરસંગ નદી પરનો બ્રિજ જૂની પધ્ધતિથી બનેલો હોવાથી તે સ્થળે નવો બ્રિજ બનાવવો પડે તેવી સ્થિતિ છે. તેવી જ રીતે વડોદરાથી ડભોઇ જવાના રોડ પર આવેલી જામ્બુઆ નદી પરનો બ્રિજ પણ ખખડધજ હાલતમાં છે. આ બ્રિજ પર લોખંડના સળિયા ગર્ડર પર ખુલ્લા જોઇ શકાય છે. આ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતાં હોવાથી તે સ્થળે નવો બ્રિજ બનાવવાની પણ જરૃરિયાત સર્જાઇ છે.

આ ઉપરાંત ડભોઇથી બોડેલી રોડ પર માઇનોર બ્રિજ છે જે ૩૦ વર્ષ કરતા પણ જૂનો અને સાંકડો છે. આ રોડ પર ટ્રાફિક વધારે હોવાથી ત્યાં પણ નવો બ્રિજ બનાવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયંથ છે.