Gujarat

પૂનમની ભરતીના કારણે અવરોધ નદીમાં એક ટ્રક, કાર અને બાઇક બીજા દિવસે પણ ના કાઢી શકાયા

By GS TEAM
10 Jul 20252 mins read
પૂનમની ભરતીના કારણે અવરોધ  નદીમાં એક ટ્રક, કાર અને બાઇક બીજા દિવસે પણ ના કાઢી શકાયા

વડોદરા, તા.10 પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ બીજા દિવસે રાહત અને બચાવ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. અકસ્માતના આશરે ૧૫ મિનિટ બાદ જ બચાવ કામગીરી શરૃ કરી દેવામાં આવી હતી અને જુદી જુદી ટીમો દ્વારા સતત કામગીરી ચાલી રહી છે.

બચાવ કામગીરીથી અત્યાર સુધીમાં કુલ ૧૮ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે પાંચ વ્યક્તિઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. હજુ પણ ગુમ બે વ્યક્તિઓની શોધખોળ ચાલું છે. તેમણે જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં ઘણા પડકારોનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને, કાદવ કીચડને કારણે હેલિકોપ્ટર જેવી હવાઈ મદદ મર્યાદિત બની હતી, કારણ કે હેલિકોપ્ટરની પાંચ ટનથી વધુ વજન ઉંચકવાની ક્ષમતા નથી, જ્યારે સ્થળ પર ૧૫૦ ટન વજન ઊંચકવાની જરૃરિયાત હતી. 

આ પડકારને પહોંચી વળવા માટે, ભારતીય વાયુસેના (એરફોર્સ) અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની ટીમો સાથે સંપર્ક બાદ પુલી સિસ્ટમનો ઉપયોગ કરવાના નિર્ણય બાદ પુલીની મદદથી એક ભારે ટ્રકને કાદવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી, જેના નીચેથી એક મૃતદેહ પણ મળ્યો હતો. 

નદીના કાદવમાં ફસાઇ ગયેલા વાહનોને બહાર કાઢવા માટે હિટાચી મશીન, બુલડોઝર ઉપરાંત સેનાના હાઇ પર્ફોર્મન્સ ટ્રકની મદદ લેવાઇ હતી. પૂનમના કારણે મહિ નદીમાં આવતી ભરતી અને ઓટ પણ વિધ્ન બન્યા હતાં. ત્રણ ડમ્પર જેટલું વેટ મિક્સ નદીની અંદર પાથરાયું હતું. સેનાની હાઇ પરફોર્મન્સ ટ્રક પાછળ વાયરો બાંધી કિચડમાંથી લોડેડ ટ્રકને ખેંચવા જતા વાયર પણ તૂટી ગયો હતો. કિચડમાં હજી પણ એક ટ્રક, તેની નીચે એક કાર અને બે બાઇક હોવાથી બચાવ કામગીરી રાત્રે પણ ચાલું છે.