Gujarat

મહુવામાં દોઢ માસથી કચરો ઉપાડવા વાહનો આવતા નથી

By GS TEAM
30 Jun 20252 mins read
મહુવામાં દોઢ માસથી કચરો ઉપાડવા વાહનો આવતા નથી

- શાળા નં.4 માં પ્રવેશોત્સવ સમયે પણ કચરાના ઢગ ખડકાયેલા રહ્યાં

- શાળાના બાળકો અને રહિશોમાં રોગચાળો ફેલાવવાની દહેશત, ડોર-ટુ-ડોર કચરો ઉપાડતા વાહનોને નિયમિત કરવા વિપક્ષના પૂર્વ નેતાની માંગ

મહુવા : મહુવા પાલિકામાં વહીવટદારનું શાસન હોવા છતાં છતાં વહીવટ કથળેલો જ રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાનું વાહન છેલ્લા દોઢ માસથી ડોકાયું જ નથી. જેના કારણે ઠેર-ઠેર કચરાના ઢગ ખડકાયેલા નજરે ચડે છે. નપાણિયા તંત્રએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન સરકારી શાળાની સામેથી પણ ઉકરડો ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

મહુવાના ભવાનીનગર, વલીભાઈનો ચોક, ગોહિલવાળો ખાંચો, ખરડિયા મહોલ્લા, રાજાણીનગર, હૈદરી સોસાયટી, બીલખિયા સોસાયટી, વોરાવાડ, હુસૈની ચોક, સુખડિયા શેરી, ઘાંચીવાડી, મણીમોહન વાડી વિસ્તાર, તંબોળીની નળ, મણીમોહન વાડી અને ખત્રી શેરી સહિતના વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી કચરો ઉપાડવા માટે વાહનો જ આવતા નથી. તેમજ શાળા નં.૪ પાસે તારવાડી, હૈદરી સોસાયટીમાં આવેલા ઉકરડાના પોઈન્ટ પરથી પણ વારંવાર ફરિયાદ કરાઈ ત્યારે ત્રણ-ચાર દિવસે કચરો ઉપાડવામાં આવે છે. તાજેતરમાં જ આ શાળામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ સમયે પણ નગરપાલિકા તંત્રએ અહીંથી ચરો ન ઉપ્ડતા ચીફ ઓફિસરને રૂબરૂ બોલાવવાની નોબત આવી હતી. ત્યારબાદ માત્ર ઉકરડાનો અર્ધો જ પોઈન્ટ ઉપાડયો હોવાની રાવ કરાઈ છે. વધુમાં શાળાની દરવાજાની બાજુમાં જ ઉકરડાનો પોઈન્ટ હોય, ગંદકીથી ખદબતા કચરામાંથી જીવજંતુ શાળાના ગ્રાઉન્ડમાં પ્રવશેશે છે. જેના કારણે બાળકોના જીવ ઉપર જોખમ ઉભું થઈ રહ્યું છે. ઉપરોક્ત વિસ્તારોમાં નિયમિત સાફસફાઈના અભાવે સ્થાનિક રહિશો અને શાળાના બાળકોમાં ભયંકર રોગચાળો ફેલાવવાની દહેશત હોય, આ મામલે નગરપાલિકા તંત્રએ તાકીદે પગલા ભરી ડોર-ટુ-ડોરના વાહનો અને સફાઈની કામગીરીને નિયમિત કરવામાં આવે તેવી મહુવા નગર સેવા સદનના વિપક્ષના પૂર્વ નેતાએ માંગ કરી છે.