Gujarat

અમદાવાદમાં વાહનો આડેધડ વધતા જાય છે, કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસ પાસે કોઈ નકકર દિશા કે આયોજન જ નથી

By GS TEAM
23 Dec 20252 mins read
અમદાવાદમાં વાહનો આડેધડ વધતા જાય છે, કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસ પાસે કોઈ નકકર દિશા કે આયોજન જ નથી

અમદાવાદ,સોમવાર,22 ડિસેમ્બર,2025

અમદાવાદમાં વાહનો આડેધડ વધતા જાય છે.મ્યુનિસિપલ કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસ પાસે કોઈ નકકર દિશા કે આયોજનજ નથી.વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણમાં કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા પછી કોર્પોરેશન તંત્ર  દોડતુ થયુ છે.શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાનુ નિરાકરણ લાવવા હવે નો વેન્ડિંગ અને નો પાર્કિંગ ઝોન અમલમા મુકવાની તેમજ ટૂંકસમયમાં શહેરમાં ફ્રી અને પેઈડ પાર્કિંગની વ્યવસ્થા કરવાની જાહેરાત કરાઈ છે.આઘાતજનક બાબત તો એ છે કે, જયાંથી નિયમો ઘડવામા આવે છે એવા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીની બહાર અધિકારીઓ અને રાજકારણીઓના વાહનો હાલમા પણ પાર્ક કરવામા આવી રહયા છે.

વર્ષ-૨૦૨૩થી અમદાવાદમાં પાર્કિંગ પોલીસી અમલમા મુકવામા આવી છે.આમ છતા હવે બે વર્ષ પછી કોર્પોરેશનના અધિકારીઓને પોલીસીનો અમલ કરવાનુ યાદ આવ્યુ છે.૩૮ હજાર ટુ વ્હીલર અને ૨૧ હજાર ફોરવ્હીલરના પાર્કિંગનુ આયોજન કરવાની જાહેરાત કરાઈ છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રીધ્ધેશ રાવલે કહયુ,એપ્રિલથી ડિસેમ્બર મહિના દરમિયાન શહેરમાંથી ૫૮ હજાર ગેરકાયદે હોર્ડિંગ્સ તથા ૧૪ હજાર લારી ગલ્લા દુર કરાયા છે.રુપિયા ચાર કરોડથી વધુની રકમનો વહીવટી દંડ વસૂલ કરાયો છે.એસ્ટેટ વિભાગ તરફથી ઓનલાઈન ચલણ અને ડિજિટલ પેનલ્ટી સિસ્ટમ અમલમા મુકવામા આવી છે.ત્રણ શિફટમાં સીજીરોડ, આશ્રમરોડ,એસ.જી.હાઈવે, ૧૩૨ ફુટ રીંગ રોડ, અને ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે.ભદ્ર,લાલદરવાજા વિસ્તારને કાયમી દબાણમુકત કરાયો છે.કોમર્શિયલ એકમો, મોલ અને ધાર્મિક સ્થળ તથા શૈક્ષણિક સંસ્થાઓ કે જેમની પાસે પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં અંદર વાહન પાર્ક કરવા દેવામા આવતા નથી તેવી ફરિયાદોના આધારે ૬૪ રસ્તાઓ ઉપર ૩૭૮ એકમોને નોટિસ અપાઈ છે.નોટિસ પછી પણ અમલ નહી કરનારા એકમો સામે આગામી સમયમા કડક કાર્યવાહી કરવામા આવશે.પાર્કિંગને લઈ લોકોમા શિસ્ત આવે એ માટે નો વેન્ડિંગ, નો પાર્કિંગ ઝોન સંબંધિત સાઈનેઝ લગાવવામા આવી રહયા છે.ઉત્તર, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બે ખાનગી એજન્સી દ્વારા સર્વે પુરો કરી પ્રાથમિક અહેવાલ તૈયાર કરાયો છે.જેના આધારે પસંદ કરાયેલા પાંચ રસ્તા ઉપર પહેલા તબકકામા અમલીકરણ કરવામા આવશે.

રેલવે સાથે સંકલન કરી શોર્ટ-લોંગ ટર્મ ઉપાયો અમલમા મુકાશે

વટવા.મણીનગર, પુનિતનગર રેલવે ક્રોસીંગ ઉપર વધતા ટ્રાફિકના દબાણને ધ્યાનમા રાખીને રેલવે સાથે સંકલન કરી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉપાયો અમલમા મુકાશે.રેલવે ઓવરબ્રિજના નિર્માણની કામગીરીને કારણે કોર્પોરેશન,રેલવે, નેશનલ હાઈવે ઓથોરીટી, ટ્રાફિક પોલીસ તથા આર.એન્ડ બી.વિભાગ દ્વારા સર્વે કરવામા આવી રહયા છે.