Gujarat

વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો

By GS TEAM
12 Oct 20251 min read
વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો

વડોદરાઃ મધ્યપ્રદેશ પોલીસે સંકલન નહિ કરતાં વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં જ જેલમાંથી છૂટીને ફરાર થઇ ગયેલો વાહનચોર ૧૭ વર્ષ બાદ પકડાયો હતો.

વડોદરાના ન્યુ વીઆઇપી રોડની સોસાયટીમાંથી વર્ષ-૨૦૦૯માં ત્રણ મોટર સાઇકલની ઉઠાંતરીનો  બનાવ બન્યો હતો.જે ગુનામાં સામેલ મધ્યપ્રદેશનો વેલસિંગ તેના વતન નજીક પકડાઇ જતાં વડોદરા પોલીસને જાણ થઇ હતી.

પરંતુ વડોદરા પોલીસ આરોપીને પકડવા એમપી પહોંચે તે પહેલાં સંકલનમાં નહિ રહેલી એમપી પોલીસને કારણે આરોપી જામીન પર છૂટી ફરાર થઇ ગયો હતો.જેથી વડોદરા પોલીસને ધક્કો થયો હતો.જેથી તેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

આ ગુનામાં વડોદરા  પોલીસ દ્વારા વારંવાર મધ્યપ્રદેશ જઇ તપાસ કરવામાં આવી હતી.પરંતુ વેલસિંગ ઉર્ફે મેલસિંગભાચરીયા ભીલ મળતો નહતો.આખરે હાલમાં આરોપી ધાર જિલ્લાના કરચટ ગામે તેના વતનમાં રહતો હોવાની વિગતો મળતાં પીઆઇ આર જી જાડેજાએ ટીમ મોકલી વોચ રાખતાં તે ઝડપાઇ ગયો હતો.