Get The App

શિયાળામાં શાકભાજીના ભાવમાં 80 થી 100 ટકાનો વધારો

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
શિયાળામાં શાકભાજીના ભાવમાં 80 થી 100 ટકાનો વધારો 1 - image


- કમોસમી વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી

- ગૃહિણીઓ શાકભાજીના બદલે કઠોળ તરફ વળી, ઘરાકી ઘટતા મોંઘા ભાવના શાકભાજી પડી રહેતા વેપારીઓ પરેશાન

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું હોવાથી શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે, પરંતુ આ વર્ષે આવક ઘટતા ભાવ આસમાનને આંબી ગયા છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં રીંગણ, મરચાં, ગુવાર, મેથી, કોબીજ જેવા શાકભાજીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૮૦થી ૧૦૦ ટકા સુધીનો વધારો થયો છે. ગત વર્ષે રૂ.૪૦ પ્રતિ કિલો મળતા રીંગણના ભાવ હાલ રૂ.૧૦૦થી રૂ.૧૨૦ સુધી પહોંચ્યા છે, અને મરચાંના ભાવ રૂ.૧૦૦-૧૫૦થી વધીને રૂ.૨૫૦થી ૩૦૦ પ્રતિ કિલો થયા છે.

શાકભાજીના ભાવમાં આ અસાધારણ વધારાને કારણે ઘરાકીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. શાક માર્કેટમાં ગણ્યા-ગાંઠયા લોકો જ ખરીદી કરતા હોવાથી મોંઘા ભાવના શાકભાજી પડી રહે છે. આ વાસી શાકભાજી ફેંકી દેવાની નોબત આવતા વેપારીઓને પણ આથક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

બીજી તરફ, શાકભાજીમાં ભાવ વધુ હોવાથી મહિલાઓનું રસોડાનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. અગાઉ રૂ.૨૦૦મા ૪થી ૫ લીલા શાકભાજી ખરીદી શકાતા હતા, તેના બદલે હાલમાં માંડ ૨ શાકભાજી ખરીદી શકાય છે. આવી સ્થિતિમાં, સામાન્ય માણસના બજેટને લીલોતરી શાકભાજી પરવડે તેમ નથી. લોકો હાલ લીલા શાકભાજીને બદલે કઠોળ અને સેવ જેવા શાક બનાવીને ગુજરાન ચલાવી રહ્યા છે. 

લગ્નસરાની સિઝન પણ ભાવ વધારા માટે જવાબદાર

શાકભાજીના ભાવમાં આ ઉછાળા પાછળ માવઠાનો માર અને લગ્નની સિઝન મુખ્ય કારણભૂત છે. યાર્ડના શાકભાજીના દલાલોના જણાવ્યા અનુસાર, માવઠાને કારણે શાકભાજી બગડી ગયા છે અને લગ્નની સિઝનમાં માંગ વધુ હોવાથી બજાર ગરમ છે. વેપારીઓ દ્વારા આશા સેવાઈ રહી છે કે, આગામી ૨૦ દિવસ બાદ શાકભાજીનો નવો પાક બજારમાં આવે ત્યારબાદ ભાવમાં ઘટાડો થશે.

Tags :