ધોરાજી-કાલાવડ રોડ પર વેગડીનો મેજર બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત
1957માં બનેલો ભાદર નદીનો પૂલ જર્જરિત જણાતા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ધોરાજી પેઢલા, કેરાળી, દૂધીવદરવાળો અને ધોરાજી, સુપેડી, ટીંબડીથી કંડોરણા રસ્તાનો ઉપયોગ કરવા આદેશ કર્યો
ધોરાજી, : ધોરાજીથી જામનગર જવાના જામનગર-સોમનાથ સ્ટેટ હાઇ-વે પર ધોરાજી-કાલાવડ રસ્તે ભાદર નદી ઉપર 1957માં વેગડી પાસે બનેલા પૂલને કલેક્ટરે જોખમી જાહેર કરી પૂલ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડી અવરજવર બંધ કરી છે. તાજેતમાં વડોદરા-માંગરોળ પૂલ દુર્ઘટના બન્યા પછી મોડે મોડે સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. વેગડી પાસેના પુલનું વિઝ્યુઅલ ઇન્સ્પેકશન અને આનુસાંગિક વેરિફિકેશન કરતા પૂલ જોખમી હોવાનું જણાતા વેગડી ગામ પાસેનો પુલ ભારે વાહનો માટે બંધ કર્યો છે. હવે જામનગર કે ધોરાજી તરફ જવા માટે ધોરાજી-સુપેડી-ભાદરા, ખજુરડા-જામકંડોરણા રોડ તથા ધોરાજીથી પેઢલા-કેરાળી-ભાદરા દૂધીવદર થઇ જામકંડોરણા થઇને જામનગર કે અન્યત્ર જવાનું રહેશે આ માટે કલેક્ટરે આદેશો કર્યા છે. વેગડી પાસે આ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવા સાથે જૂના પૂલ સમાંતર બીજો પુલ બનાવવાની કામગીરીને અગ્રતા અપાઇ છે.