લાઠીના ભીડભંજન મહાદેવને વીર હમીરસિંહજીની કમળ પૂજાનો શણગાર, દર્શનાર્થી ઉમટી પડ્યા
Bhidbhanjan Mahadev News: અમરેલી જિલ્લામાં શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં શિવ મંદિરોમાં શિવજીનો શણગાર કરવામાં આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના લાઠીમાં લાઠી-અમરેલી હાઇવે પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવજીને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.
લાઠી નગરે બિરાજતા શ્રી ભીડભંજન મહાદેવનો કમળ પૂજાનો શણગાર કરતાં વીર હમીરસિંહજી 'સોમનાથની સખાતે'ના ઇતિહાસમાં અમરકથાને આબેહૂબ પ્રદર્શિત કરતાં શ્રદ્ધાળુ ભાવિકો દ્વારા શોર્યનો શણગાર વીરતા શોર્ય ધર્મ માટે એક ભાવિક શું ન કરી શકે? સોમનાથ મંદિર માટે વીરતાને વરેલ રાજવીમા આરાધ્ય દેવ ભીડભંજન મહાદેવ ખાતે લાઠીના વિર હમીરસિંહજી ગોહિલ 'સોમનાથ સખાતે' શણગારના અલૌકિક દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા.
વીર હમીરજીની અમરગાથા
પ્રથમ જ્યોર્તિલિગ સોમનાથ મંદિર પર જ્યારે આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથથી દૂર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત્ પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી. હમીરજી ગોહિલ આમતો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ હતા.