Get The App

વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું 1 - image


Superstition Viral Video: શિક્ષણના ધામમાં બાળકોને અંધશ્રદ્ધા તરફ ધકેલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં હવે નવો વળાંક આવ્યો છે. દાવા મુજબ વીડિયો કાંકરેજ તાલુકાની તેરવાડીયા પ્રાથમિક શાળાનો છે. જેમાં શાળામાં શનિવારે 'બેગલેસ ડે' (દફતર વગરનો દિવસ) હતો. તેથી બાળકોની રુચિ વધે તે માટે અનેક પ્રવૃત્તિઓ શિક્ષક દ્વારા કરાવવામાં આવતી હતી. જેમાં ધૂણવું અંધશ્રદ્ધાને ઉજાગર કરતાં એક નાટકનો ભાગ હતો. પરંતુ તે વીડિયોને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો. અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે.

અભિનયને જ અંધશ્રદ્ધાનું રૂપ આપી દેવાયું!

ઘટનાની વિગત પર નજર કરીએ તો શનિવારના દિવસે કાંકરેજની તેરવાડીયા પ્રાથમિક શાળામાં બાળકો એકપાત્રીય અભિનય (Monologue) કરી રહ્યા હતા, જે થકી બાળકો અંધશ્રદ્ધાથી કેવી રીતે દૂર રહેવાય અને તેને રોકી શકાય તે વિષય પર નાટક અને રિહર્સલ કરી રહ્યા હતા. પણ આ દરમિયાન કોઈએ વીડિયો ઉતારી ચોક્કસ ભાગ વાઈરલ કરી દેતા ખોટી અફવાઓ ફેલાઈ હતી કે શાળામાં શિક્ષકો અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહી છે. પણ હકીકત વાઈરલ વીડિયોના દાવા કરતાં જુદી જ નીકળી. બાળકોના અંધશ્રદ્ધાના નાટક પ્રત્યેના અભિનયને જ અંધશ્રદ્ધાનું રૂપ આપી દેવાયું હતું. 

ધૂણવું એક નાટકનો ભાગ હતું

શાળા શિક્ષકો તેમજ સ્થાનિક સૂત્રના કહ્યા મુજબ બાળકોના શૈક્ષણિક અને જનજાગૃતિના અભિનયને સોશિયલ મીડિયામાં અલગ જ રીતે અર્થઘટન કરી વીડિયો ફેલાવવામાં આવ્યો. સત્ય અને તથ્ય એ છે કે શિક્ષકો બાળકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવું કેટલું જરૂરી છે તે આગવી રીતે શીખવી રહ્યા જેમાં ધૂણવું એક ભાગ હતો. એ ભાગ એક નાટકનું રિહર્સલ હતો. સમગ્ર કેસમાં નાટકીય વળાંક આવતા હાલ તો વાલીઓ અને જિલ્લા શિક્ષણ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. શાળા તંત્ર પર ઊભા થયેલા સવાલો પર પૂર્ણવિરામ લાગ્યું છે.

આ પણ વાંચો: અરવલ્લી પર્વતમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો, 90 ટકા વિસ્તાર સંરક્ષિત: કેન્દ્ર સરકારનો દાવો

હાલ તો સવાલ એ થઈ રહ્યો છે કે સોશિયલ મીડિયા પર કોને વીડિયો ખોટી રીતે વાયરલ કર્યો. શાળા તંત્ર દ્વારા શું તેની સામે કોઈ ફરિયાદ કરશે કે કેમ? શિક્ષકોએ આવો અભિનય કેમ કરાવ્યો? આ ઘટના લોકોને પણ સચેત કરે છે કે સોશિયલ મીડિયા પર વાઈરલના નામે આવતી દરેક માહિતી કે વીડિયો સાચા જ હોય તેવું માની લેવાય નહીં. દરેક વસ્તુની ખરાઈ કરીને જ આગળ મોકલવી (ફોરવર્ડ) જોઈએ જેથી કોઈ ખોટો લાભ ઉઠાવી ન જાય, હાલ વધારે વ્યૂના ચક્કરમાં ગમે તે વીડિયો કે ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ થઈ રહ્યા છે જેની પર લગામ લાગવી જરૂરી છે નહીં તો આવી ઘટનાઓ બન્યા જ કરશે અને બાદમાં લીપાપોતી તો ખરી જ!