Get The App

વરસાદી માહોલ વચ્ચે વૌઠાના લોક મેળાનો પ્રારંભ : ભાવિકો ઉમટયાં

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
વરસાદી માહોલ વચ્ચે વૌઠાના લોક મેળાનો પ્રારંભ : ભાવિકો ઉમટયાં 1 - image


- 7 નદીના સંગમ તીર્થ પર શ્રધ્ધાળુઓનો જમાવડો 

- કારતક પૂનમના પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવશે : ગદર્ભ સહિત પશુઓની ખરીદ -વેચાણ પણ થશે 

નડિયાદ : અમદાવાદ અને ખેડા જિલ્લાની સીમા પર વાત્રક, મેશ્વો, સાબરમતી, ખારી, શેઢી, માઝુમ અને હાથમતી જેવી સાત નદીના સંગમ સ્થળે વૌઠાના મેળાનું આયોજન થયું છે. આજથી વૌઠાના મેળાનો પ્રારંભ થયો છે. વરસાદી માહોલ વચ્ચે વૌઠાના મેળામાં પ્રથમ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. 

માતર તાલુકાના પાલ્લા ગામે અને સામે કાંટે આવેલા ધોળતા તાલુકાના વૌઠા ગામમાં અગિયારથી પૂનમ સુધી યોજાતા મેળાનું આગવું મહત્વ છે. કારતક પૂનમના પવિત્ર દિવસો દરમિયાન યોજાતા મેળામાં પવિત્ર સ્નાનનું અનેરું માહાત્મ્ય હોવાથી દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ અહીં ડૂબકી લગાવવા આવે છે. મેળાની શરૂઆત થતાં જ આ સંગમ તીર્થ પર શ્રદ્ધાનો અનેરો માહોલ સર્જાયો છે. રાજ્યના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા પરિવારો પોતાના રીતરિવાજ અને લોકસંસ્કૃતિની ઝલક સાથે અહીં પહોંચ્યા છે. આ પાંચ દિવસ દરમિયાન અનેક પરિવારોએ નદી કિનારે પોતાના તંબુ તાણીને કામચલાઉ આશિયાના બનાવી લીધા છે.

આ લોકો મેળામાં રહીને ગ્રામ્ય જીવનનો અનોખો અનુભવ કરે છે. આ પૌરાણિક મેળામાં જોવા મળતી 'વાવ ગોળાવવી'ની પરંપરા આજે પણ જીવંત છે, જેમાં શ્રદ્ધાળુઓ રેતીમાં દીપ પ્રગટાવીને પોતાની આસ્થા વ્યક્ત કરે છે. ધામક મહત્વની સાથે સાથે, વૌઠાનો આ મેળો પશુઓના વેપાર માટે પણ દેશભરમાં જાણીતો છે. ખાસ કરીને ગદર્ભ (ગધેડાં)ના વેપાર માટે આ મેળાનું આગવું સ્થાન છે.અહીં ગધેડાની કિંમત ૧૦,૦૦૦થી લઈને ૫૦,૦૦૦ સુધીની હોય છે. રાજ્યભરમાંથી ગધેડાની ખરીદી કરવા માટે ખરીદનારાઓ પણ આવે છે. ઘોડા અને ઊંટના વેપારીઓ પણ અહીં મોટા પાયે લે-વેચ માટે એકઠા થયા છે. મેળામાં સ્થાનિક કલાકારો દ્વારા લોકનૃત્યો અને લોકગીતોના કાર્યક્રમો પણ યોજાય છે. નાના-મોટા સ્ટોલ, રમકડાંની દુકાનો અને ચકડોળ સહિતના મનોરંજનના સાધનોથી સમગ્ર વિસ્તાર મેળાની રંગતથી છલકાઈ ઉઠયો છે.  

વૌઠા તરફ જતાં ભારે વાહનોને ખેડા અને તારાપુર ચોકડીથી ડાયવર્ઝન અપાયું

વૌઠા મેળો શરૂ થતા વૌઠા તરફ જતા ભારે વાહનો ખેડા તથા તારાપુર ચોકડીથી ડાયવર્ઝન અપાયું છે. તારાપુર ચોકડી તરફથી અન્ય માર્ગ લેવાનો રહેશે. પાલ્લા બ્રિજથી લીંબાસી જતાં વાહનોને છ દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં પાલ્લાથી વૌઠા તરફ આવતા મોટા વાહનો સહીજ પાટિયાથી વૌઠા વિરપુરથી લીંબાસી તારાપુર તરફ જવાના રસ્તા ઉપર ભારે વાહનો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાલાથી વૌઠા તરફ જતા ભારે વાહનો ખેડા તથા તારાપુર ચોકડી થી ડાયવર્ટ કરવામાં આવશે તારાપુર ચોકડી તરફથી અન્ય માર્ગ લેવાનો રહેશે.

Tags :