Get The App

કોરોનાની સારવારમાં ઉપયોગી વટી, ચૂર્ણ, ઉકાળો, કવાથ બન્યા છે પ્રચલિત

- સિવિલમાં કોરોનાના ૧૨ દર્દીઓની આયુર્વેદિક સારવાર પણ શરૂ

- શરીરમાં કફ-વાયુ વધે, પાચન શક્તિ ઘટે ત્યારે વાયરસ ફેલાય,આથી ગળાની ચિકાશ કંટ્રોલ કરી વાયુ દબાવાય તો ચેપ પ્રસરતો અટકી શકે

Updated: Jun 1st, 2020

GS TEAM


Google News
Google News
કોરોનાની સારવારમાં ઉપયોગી વટી, ચૂર્ણ, ઉકાળો, કવાથ બન્યા છે પ્રચલિત 1 - image


ધ્યાન, પ્રાણાયામ, યોગ કરવા, ખુશમિજાજ રહેવું , ભોજન સાદુ અને ઓછુ લેવું

રાજકોટ, તા. ૧ જૂન, ૨૦૨૦, સોમવાર

અનેકવિધ, હળવાથી ગંભીર રોગોમાં આયુર્વેદની પધ્ધતિથી સારવાર તો હજારો વર્ષોથી થતી રહી છે. હાલ દેશમાં કોરોનાની મહામારી પ્રસરી રહી છે ત્યારે રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલ  દ્વારા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવના દર્દીઓને તેમની સંમતિ સાથે આયુર્વેદિક સારવાર કરવાનું શરૂ કરાયું છે જેમાં હાલ ૨૫ દર્દી સારવારમાં છે જેમાં ૧૨ દર્દીઓની સહમતી સાથે આયુર્વેદીક અને ૩ દર્દીઓની હોમિયોપેથીક સારવાર શરૂ કરાઈ છે.

કોરોના સહિત રોગોની સારવારમાં ટેબ્લેટ, કેપ્સ્યુલ, ઈન્જેક્શન, વેન્ટીલેટર, વગેરે શબ્દો તો પ્રચલિત છે ત્યારે આયુર્વેદ સારવારનું ચલણ વધતા હવે વટી, ચૂર્ણ, ઉકાળો, કવાથ, પરેજી, વગેરે શબ્દો  લોકોમાં પ્રચલિત બની ગયા છે. આયુર્વેદ હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ પરમારે જણાવ્યું કે કોરોના મહામારી માટે સંશમની વટી, ત્રકટુ ચૂર્ણ, યષ્ટિમધુ ઘનવટી, દશમૂળ કવાથ, આયુ-૬૪, પથ્યાદિ કવાથ વગેરેનો ઉપયોગ પ્રચલિત થયો છે. રાજકોટમાં કોરોનાનો હોટસ્પોટ બનેલ જંગલેશ્વર વિસ્તારમાં બે દિવસમાં ૭૦ હજાર આયુર્વેદિક ઉકાળાનું અને દવાનું વિતરણ કરાયું હતું અને આ વિસ્તારમાં સ્ક્રમણ વધવાનો દર ઘટી ગયો છે તેમ જણાવીને ઉમેર્યું કે આયુર્વેદ માત્ર રોગ થાય ત્યારે ઉપચાર પર નહીં પણ રોગ ન થાય તેના પર લક્ષ્ય આપે છે. 

આયુર્વેદની વટી,ઉકાળા કઈ  રીતે કામ કરે છે? તે અંગે તેમણે જણાવ્યું કે શરીરમાં જો વાત,પિત્ત અને કફ ત્રણેય સમપ્રમાણમાં રહે તો તે નિરોગી શરીર કહેવાય પણ જ્યારે કફ અને  વાયુનો દોષ વધે છે, પાચન શક્તિ ઘટે  ત્યારે કોરોના જેવા વાયરસનું સંક્રમણ શરીરમાં વધે છે. આથી જો ગળાની ચિકાશ (કફ)ને નિયંત્રણમાં રખાય અને તે કફનું શરીરમાં વહન કરનાર વાયુને  કંટ્રોલ કરાય તો વાયરસનું સંક્રમણ અટકાવી શકાય છે અને આ કામ આયુર્વેદની દ્રષ્ટિએ ઉપરોક્ત ગોળી અને ઉકાળો કરે છે. 

ગળો, પીપરથી બનતી વટી કફને તોડે છે, તાવ મટાડે છે ત્રિકટૂ ચૂર્ણ જેમાં સૂંઠ, મરી, પીપર સરખા ભાગે હોય તેનો ઉકાળો મધ સાથે ચાટવાથી તે પણ કફ તોડી, જઠરાગ્નિ પ્રદિપ્ત કરવાનું કામ કરે છે. યષ્ટિમધુ જેને જેઠીમધ કહે છે તે ગળામાં રહેલી ઉધરસ,શરદી,ચીકાશને દૂર કરવામાં  તો કડુ કરિયાતુ, સપ્તપર્ણ, સાગરગોટા જેવા ઔષધોથી બનતી દવા ત્રિદોષક જ્વર (તાવ) મટાડવામાં, આજ રીતે વાત,પિત,કફની વિકૃતિ દૂર કરતા દશમૂળ કવાથ, શાલીપર્ણી, પૂષણપર્ણ, બૃહતી, કંટકરી, ગોક્ષુર, બિલ્વ, શ્યાનેક, પાટલા, ગોભરી, ચરણી સહિત ૧૦ ઔષધોથી બને છે. તો પથ્યાદિ કવાથ હરડે, બહેડા, ગળો, નીમ, ભોનીમ્બ, સહિતના આષધોથી બનાવાય છે. જો કે આ ઔષધો જાણકાર વૈદ્ય દ્વારા બનાવવા જોઈએ. 

ઘરે આરોગ્યપ્રદ ઉકાળો બનાવવા આયુ.હોસ્પિ.એક સરળ પ્રયોગ દર્શાવે છે જેમાં ૧૦ તુલસીના પાન, ૨ મરીને  ૧ ગ્લાસ પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી વધે ત્યારે પીવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય (ભુખ ઉઘડે) છે. તેઓ નાસ લેવા માટે બામ નહીં પણ રાઈ,મીઠા,અજમાનો ઉપયોગ કરવા અને કાળી દ્રાક્ષને ચૂસવા તથા ઘરમાં હવા શુધ્ધ કરવા લીમડો, ગૂગળ, કપુરનો ધૂપ કરવા સલાહ આપે છે. અંતમાં તેમણે કહ્યું ધ્યાન, પ્રાણાયામ, યોગ કરવા, ખુશમિજાજ રહેવું , ભોજન સાદુ અને ઓછુ લેવું  તે નિરોગી રહેવાનો, બિમારીથી બચવાનો સચોટ ઉપાય છે. 

આર્યુર્વેદીક હોસ્પિટલનાં અધિક્ષકે જણાવ્યું કે આયુર્વેદની સારવાર કોરોનામાં કેટલી અકસીર તે સંશોધનનો પણ વિષય છે અને એલોપેથી સાથે આયુર્વેદીક સારવાર કરીએ છીએ તે અંગે રિપોર્ટ આવ્યે વધુ જાણી શકાશે પરંતુ તે  નક્કી છે કે આયુર્વેદથી સાજા થવામાં ઝડપ આવશે.

Tags :