સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું
વસ્ત્રાપુર સ્થિત ઓફિસમાં સર્ટી. જમા થતા ભાંડો ફુટયો
બોપલ સ્ટર્લિંગ સીટીમાં રહેતા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી
અમદાવાદ,શુક્રવાર
બોપલમાં રહેતા એક કોન્ટ્રાક્ટરે અમરેલી સ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે તેમની કંપનીના પાંચ વર્ષનો ઓડિટ રિપોર્ટ મંગાવીને તેના નામથી ભળતો અન્ય બનાવટી રિપોર્ટ તૈયાર કરીને સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા માટે વસ્ત્રાપુર સ્થિત માર્ગ અને મકાન વિભાગની કાર્યપાલક ઇજનેરની કચેરીમાં જમા કરાવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે.
અમરેલીમાં રહેતા અશોકભાઇ કોઠીયા ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટીશ કરે છે. બોપલના સ્ટર્લિગ સીટીમાં રહેતા રાજેશ તળાવિયા અને અન્ય ત્રણ ભાગીદાર ધરતી એન્જીનીયરીંગ નામની કંપની ધરાવે છે અને તેમણે ઓડિટનું કામ અશોકભાઇની ફર્મને આપેલું હતું. ગત ૨૬મી નવેમ્બર ૨૦૨૪ના રોજ રાજેશ તળાવિયાએ ફોન કરીને તેમની કંપનીનો પાંચ વર્ષનો ઓડીટ રિપોર્ટ મંગાવ્યો હતો.
પરંતુ, ૨૮મી માર્ચના રોજ અશોકભાઇને વસ્ત્રાપુર કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાનની કચેરીનો પત્ર મળ્યો હતો. જેમાં ધરતી એન્જીનીયરીંગનો ઓડિટ રિપોર્ટ હતો. જેમાં અશોકભાઇની ફર્મનું નામ હતું. પાંચ વર્ષના ઓડિટ રિપોર્ટમાં ધરતી એન્જીનીયરીગની સાથે નિર્માણ ગુ્રપનો ઓડિટ રિપોર્ટ હતો. જે અશોકભાઇએ તૈયાર કર્યો નહોતો. પરંતુ, તેમણે અગાઉ રાજેશ તળાવિયાને મોકલેલા રિપોર્ટના આધારે બનાવટી રિપોર્ટ તૈયાર કરીને કચેરીમાં સબમીટ કરાયો હતો. પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રાજેશ તળાવિયા સરકારી કોન્ટ્રાક્ટર હોવાથી તેમણે સરકારના કામ મેળવવા માટે અશોકભાઇએ આપેલા ઓડિટ રિપોર્ટ જેવો અન્ય ઓડિટ રિપોર્ટ બનાવીને સરકારી કચેરીમાં જમા કરાવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.