ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા
બંને મિત્રો શોખ માટે સ્કૂટરની ચોરી કરતા હતા
ચોરી કરાયેલુ સ્કૂટર ફેરવ્યા બાદ બિનવારસી મુકી દેતા હતા અથવા સસ્તામાં વેચાણ કરતા હતા
અમદાવાદ,રવિવાર
શહેરના વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં સ્કૂટર ચોરીના કિસ્સા વધી રહ્યા હતા. જેથી પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા બે સગીર વયના કિશોરોને શંકાસ્પદ સ્કૂટર સાથે ઝડપી લીધા હતા અને તપાસ કરતા તેમણે ૧૦ જેટલા સ્કૂટરની ચોરી કરી હતી. મોજશોખ માટે સ્કૂટરની ચોરીને થોડા દિવસ ફેરવ્યા બાદ તેને બિનવારસી મુકી દેતા હતા અથવા ઓછી કિંમતે વેચાણ કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાપુર, બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં સ્કૂટર ચોરીના અનેક કિસ્સા સામે આવ્યા હતા. જે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ એલ ચાવડાને બાતમી મળી હતી કે ૧૬ વર્ષની ઉમરના બે સગીર મિત્રો છેલ્લાં ઘણા સમયથી અલગ અલગ સ્કૂટર સાથે ફરે છે. જેના આધારે તેમના પર વોચ રાખીને તપાસ કરતા તેમની પાસેનું સ્કૂટર ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં તેમણે છ મહિનામાં ૧૦ જેટલાં સ્કૂટરની ચોરી કરી હતી.
પોલીસે બને સગીરની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંને મોજશોખ માટે ચોરી કરતા હતા અને થોડા દિવસ ચલાવ્યા બાદ બિનવારસી મુકી દેતા હતા. તેમજ સસ્તામાં વેચાણ કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.