Get The App

વસ્ત્રાપુર માનસી ટાવર સ્થિત કપડાની ચાર શોપમાં બંટી બબલીએ ઓનલાઇનના નામે છેતરપિંડી આચરી

ભુજમાં રહેતી યુવતી અને અન્ય એક યુવકને વેપારીઓએે ઝડપીને વસ્ત્રાપુર પોલીસને હવાલે કર્યા

મોબાઇલથી સ્કેન કરીને નાણાં ચુકવી આપ્યાનું કહીને અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ અનેક વેપારીઓને ટારગેટ કર્યા

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
વસ્ત્રાપુર માનસી ટાવર સ્થિત કપડાની ચાર શોપમાં બંટી બબલીએ ઓનલાઇનના નામે છેતરપિંડી આચરી 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના વસ્ત્રાપુરમાં આવેલા માનસી ટાવર સ્થિત કપડાની દુકાનમાં ખરીદી કરીને ઓનલાઇન પેમેન્ટ કરીને નાણાં ચુકવી આપ્યાની ખાતરી આપીને બંટી બબલીએ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના વસ્ત્રાપુરમાં આવેલા સાગર ટાવરમાં રહેતા મહિપાલસિંહ પુરોહિત માનસી ટાવરમાં લેડીઝના વેસ્ટર્ન વેરના વ્યવસાય કરે છે. ગત ૨૩મી મેના રોજ એક મહિલા અને  યુવક કપડાની ખરીદી કરવા માટે આવ્યા હતા.  યુવતીએ ૧૧ હજારની કપડાની ખરીદી કરીને સ્કેનરથી ઓેનલાઇન પેમેન્ટ કર્યાનો મેસેજ મહિપાલસિંહને બતાવ્યો હતો અને ત્યાંથી બંને જણા જતા રહ્યા હતા. 

જો કે તપાસ કરતા તે નાણાં બેંક એકાઉન્ટમાં જમા થયા નહોતા. જેથી તેમણે અન્ય વેપારીને વાત કરતા તેણે પણ જણાવ્યુ હતું કે તેને ત્યાં કપડાની ખરીદી કરવા આવેલા યુવક યુવતીએ ઓનલાઇન ચુકવેલા નાણાં બેંકમાં જમા થયા નહોતા. થોડીવાર બાદ વેપારીઓના વોટ્સએપ ગુ્રપમાં અન્ય વેપારીઓએ પણ મેસેજ કર્યા હતા કે તેમની સાથે પણ યુવક-યુવતીએ છેતરપિંડી આચરી હતી. જેથી સીસીટીવી તપાસ કરતા તેમણે કોમ્પ્લેક્સની પાંચ દુકાનોના વેપારીઓને ચુનો લગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે એક વેપારીએ તે યુવતીને બદલી આપવાનું કહીને બોલાવ્યા બાદ પકડીને પોલીસને જાણ કરી હતી.

વસ્ત્રાપુર પોલીસે પુછપરછ કરતા યુવતીનું નામ ઝલક ઉપાધ્યાય (ભક્તિધામ એપાર્ટમેન્ટ, મુદ્રા રોડ, ભૂજ) અને યુવકનું નામ કરણ જોષી ( ગણેશકુંજ સોસાયટી, સોલા) હોવાનું જાણવા મળ્યું હતું. બંને જણાએ મોબાઇલથી સ્કેન કરીને નાણાં ચુકવી આપ્યાનું કહીને અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ અનેક વેપારીઓને ટારગેટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Tags :