Gujarat

ભરોસાનો ભંગ! અમદાવાદમાં ઘરમાં સફાઈ માટે બોલાવેલા યુવકો દાગીના પણ સાફ કરી ગયા, 3ની ધરપકડ

By GS TEAM
12 Nov 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ઘરસફાઈ કરવાના બહાને પ્રવેશી, સિનિયર સિટીઝન દંપતીના ઘરમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરનાર ત્રણ શખ્સોની વસ્ત્રાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા રૂ.25 લાખના દાગીના અને અન્ય કિંમતી સામાન કબ્જે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરોસાનો ભંગ! અમદાવાદમાં ઘરમાં સફાઈ માટે બોલાવેલા યુવકો દાગીના પણ સાફ કરી ગયા, 3ની ધરપકડ

Ahmedabad Crimen News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ઘરસફાઈ કરવાના બહાને પ્રવેશી, સિનિયર સિટીઝન દંપતીના ઘરમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરનાર ત્રણ શખ્સોની વસ્ત્રાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા રૂ.25 લાખના દાગીના અને અન્ય કિંમતી સામાન કબ્જે કર્યો છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલમાં વસ્ત્રાપુરમાં જ રહેતા હતા. ગુનાની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ તેમને પકડી પાડવામાં આવ્યા હતા.

શું હતો સમગ્ર મામલો?

આ અંગે થલતેજ વિસ્તારમાં સાલ હોસ્પિટલ નજીક આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા જયાબેન પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ સોમવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ જી.જે. હોમ ક્લિનિંગ માંથી આવ્યા હોવાનું કહી ત્રણ યુવકો તેમના ફ્લેટ પર સફાઈ કામ માટે આવ્યા હતા. તે સમયે જયાબેન અને તેમના પતિ ભરતભાઈ બંને બીજા રૂમમાં બેઠા હતા, જ્યારે આ ત્રણેય શખ્સો ઘરમાં સફાઈ કરી રહ્યા હતા.

બપોરે 12:30 વાગ્યાની આસપાસ ત્રણેય યુવકોએ દંપતીને કહ્યું કે તેઓ જમવા માટે બહાર જઈ રહ્યા છે, પરંતુ ત્યારબાદ તેઓ પાછા ફર્યા ન હતા. થોડા સમય બાદ જયાબેને બીજા રૂમમાં કબાટ તપાસતા, તેમનું વાદળી પર્સ ગાયબ હતું. આ પર્સમાં સોનાની બુટ્ટી, એક બ્રેસલેટ, એક બંગડી અને એક પેન્ડન્ટ સહિત આશરે રૂ.4 લાખની કિંમતના દાગીના હતા.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપ્યા

ફરિયાદ મળતાની સાથે જ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વસ્ત્રાપુર સર્વેલન્સ સ્કવોડે તાત્કાલિક કાર્યવાહી કરીને સાંજ સુધીમાં વસ્ત્રાપુર વિસ્તારમાંથી જ ત્રણેય આરોપીઓને શોધી કાઢ્યા હતા.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ લોકેશ નાથુભાઈ કીર, સુનીલ ધનજીભાઈ કીર અને અર્જુન શંકરલાલ કીર (તમામની ઉંમર 20 થી 25 વર્ષ) તરીકે થઈ છે. ત્રણેય મૂળ રાજસ્થાનના સલુંબર અને બાંસવાડા જિલ્લાના વતની છે અને અમદાવાદમાં આલ્ફા મોલ સામે સરકારી ચાવડી પાસે રહીને છૂટક મજૂરી કરતા હતા.

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. તેઓએ સ્વીકાર્યું કે ક્લીનર તરીકે ઘરમાં પ્રવેશ્યા બાદ જ્યારે દંપતીનું ધ્યાન ભટક્યું ત્યારે તેઓએ દાગીનાની ચોરી કરી હતી. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તેઓએ રહેણાંક વિસ્તારોમાં આ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરવાની યોજના બનાવી હતી. પોલીસ આશંકા સેવી રહી છે કે આ ત્રિપુટી શહેરમાં અન્ય સમાન ગુનાઓમાં પણ સંડોવાયેલી હોઈ શકે છે, તે દિશામાં વધુ તપાસ ચાલુ છે.