હોટલમાં આરામ કરવા માટે રૂમ ન આપતા માથભારે તત્વોએ તોડફોડ કરી
વાસણા મંગલ કોમ્પ્લેક્સમાં આવેલી હોટલની ઘટના
વાસણા વિસ્તારમાં રહેતો વ્યક્તિ પૈસા આપ્યા વિના દાદાગીરી કરીને રૂમમાં આરામ કરવા આવતો હતો
અમદાવાદ,સોમવાર
શહેરના વાસણા વિસ્તારમાં આવેલી એક હોટલમાં સ્થાનિક માથાભારે વ્યક્તિ પૈસા ચુકવ્યા વિના રૂમમાં આરામ કરવા આવતો હતો. હોટલના માલિકે કંટાળીને તેને રૂમ આપવાની ના કહેતા માથાભારે વ્યક્તિએ હોટલમાં તોડફોડ કરીને મેનેજર અને માલિકને માર માર્યો હતો. આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
વટવામાં રહેતા સજ્જનસિંહ રાવ શહેરમાં અલગ અલગ જગ્યાએ હોટલ ધરાવે છે. વાસણામાં પ્રથમ મંગલ કોમ્પ્લેક્સમાં તેમની સવેરા નામની હોટલ આવેલી છે. બે દિવસ પહેલા તેમની હોટલના મેનેજરે તેમને બોલાવીને જાણ કરી હતી કે વાસણા ગામમાં રહેતો બળવેદ નામનો વ્યક્તિ છેલ્લાં ઘણા સમયથી હોટલમાં આવીને દાદાગીરી કરીને રૂમની ચાવી લઇને આરામ કરવા જતો રહે છે અને રૂમ ખાલી નથી કરતો તેમજ તેને ના કહીએ તો તે હોટલ બધ કરાવી દેવાની ધમકી આપે છે.
જેથી સજ્જનસિંહ હોટલ પર ગયા હતા. ત્યારે બળદેવ ત્યાં આવ્યો હતો અને મેનેજર પાસે રૂમની ચાવી માંગી હતી. પરંતુ, સજ્જનસિંહે રૂમ આપવાની ના કહેતા બળદેવે દાદાગીરી કરીને છરી કાઢી મારવાનો પ્રયાસ કરીને રીશેપ્શન એરિયામાં તેમજ અન્ય જગ્યાએ તેના અન્ય એક સાગરિતને બોલાવીને તોડફોડ કરી હતી. સાથે સાથે હિસાબના નાણાં પણ લઇને ધમકી આપીને જતો રહ્યો હતો. છેવટે આ અંગે વાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.