Gujarat

વાસણા બેરેજ સમારકામ ખોરંભે પડશે , ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે

By GS TEAM
4 Apr 20261 min read
વાસણા બેરેજ સમારકામ ખોરંભે પડશે , ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે

 અમદાવાદ, શુક્રવાર, 3 એપ્રિલ, 2026

સાબરમતી નદી ખાલી કરી ૧૫ એપ્રિલથી વાસણા બેરેજના દરવાજા બદલવા અને તેનુ સમારકામ હાથ ધરવામા આવનાર હતુ.પરંતુ ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાંથી પાણી છોડવાની ખેડૂતોની માંગ સ્વીકારી લેવાતા હવે સમારકામની કામગીરી ખોરંભે પડશે.બેરેજના દરવાજા બદલવા અને સમારકામની કામગીરી કરવાની સાથે સુભાષબ્રિજના રીસ્ટોરેશનની કામગીરી કરવામા આવનાર હતી જે પણ હવે વિલંબમાં મુકાવાની સંભાવના છે.

ફતેવાડી વિસ્તારના ખેડૂતોએ ૧૫ એપ્રિલે પાણીનો છેલ્લો જથ્થો આપવાની માંગ કરી હતી.આ માંગ સ્વીકારી લેવામા આવતા હવે વાસણા બેરેજના દરવાજાઓ તેમજ સુભાષબ્રિજ રીસ્ટોરેશનની કામગીરી અગાઉ કરાયેલી જાહેરાત મુજબ થઈ શકશે નહીં.આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,વાસણા બેરેજના દરવાજાઓ બદલવા સહિતની અન્ય કામગીરી સંદર્ભમાં રુપિયા નવ કરોડનો કોન્ટ્રાકટ પણ આપી દેવામા આવ્યો હતો.જો કે આ કોન્ટ્રાકટ કોને આપવામા આવ્યો છે તે વિગત જાહેર કરાઈ રહી નથી.કોન્ટ્રાકટરે છ દરવાજા સ્થળ ઉપર ઉતારી દીધા હતા.ગત ૨૬ માર્ચથી ઉપરવાસમાંથી પાણી બંધ કરવામા આવ્યુ હોવાથી હાલ નદીમા નવા નીરની આવક થઈ રહી નથી.વાસણા બેરેજની સાથે હયાત સુભાષબ્રિજના રીસ્ટોરેશનની કામગીરી પણ જયાં સુધી સાબરમતી નદી ખાલી નહીં થાય ત્યાંસુધી થઈ શકશે નહીં.૧૫ જુનથી ચોમાસાના સંદર્ભમાં સરકારી ગાઈડલાઈન મુજબ કામગીરી થઈ શકશે કે કેમ એ ચર્ચાનો વિષય છે.