લીકેજ લાઈનથી દુર્ગંધવાળું પાણી આવતું હોવાની રાવ
પાણીની લાઇન લીકેજ થતાં માર્ગ પર કાદવ-કીચડમાં રાહદારીઓ અને વાહન ચાલકોને લપસી જવાનો ભય
લખતર - લખતર કાદેસર તળાવ પાસે વાસ્મોની પાણીની લાઈન લીકેજ થતાં માર્ગ પર કાદવ-કીચડ સર્જાતા રાહદારીઓ અને વાહન ચાલકોને લપસી જવાનો ભય સતાવી રહ્યો છે. તેમજ લીકેજ લાઈનથી દુર્ગંધવાળું પાણી આવતું હોવાની રાવ ઉઠી છે.
લખતર શહેરના કાદેસર તળાવની પાળ નજીક પસાર થતી વાસ્મોની પાઈપલાઈન લીકેજ થતા રોડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયુ છે. આ કાદવ કીચડના સામ્રાજ્યના કારણે રાહદારીઓ, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે આ રોડ ઉપર આગામી દિવસોમા તંત્ર દ્વારા બિસ્માર રસ્તાના કારણે નવો સીસી રોડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામા આવનાર છે.
લખતર શહેરમા વાસ્મોના સળગતા પ્રશ્નો અંગે વાસ્મોના અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે લખતર શહેરના નાગરિકોને લીકેજ લાઈનની સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે તે જોવાનું રહ્યું. લખતર શહેરમા વાસ્મો દ્વારા વહેલી તકે શહેરમા વારંવાર બનતી લીકેજ લાઈનોની સમસ્યા દૂર કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે.


