કોર્પોરેશનની સંકલનમાં ધારાસભ્યોની વિવિધ મુદ્દે રજૂઆતો થઈ

કોર્પોરેશનની કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલ સંકલન બેઠકમાં ધારાસભ્યોએ અગાઉની રજૂઆતો સંદર્ભે થયેલ કાર્યવાહીની પરિસ્થિતિ જાણી વિવિધ મુદાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી.
મળતી માહિતી મુજબ, બેઠકમાં સયાજીગંજના ધારાસભ્યની રજૂઆત હતી કે, બાકી વિસ્તારમાં રસ્તાના પેચવર્કની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી, રસ્તાની બંને બાજુ વરસાદી પાણીનો ભરાવો ન થાય અને સ્વચ્છતા તથા રસ્તાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે નવી ડિઝાઇન બનાવવી, ઇસ્કોન હાઇટ્સની બાજુમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ જેટકોમાં નાણા જમા કરાવવા સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત નવા ગામોના પેન્ડિંગ બીલો, ઝેન ગાર્ડન, અંગ્રેજી માધ્યમ શાળા, આઈ.ટી.આઈ પાંચ રસ્તા ખોલવા, નવા ગામોના 200 કર્મચારીને રેગ્યુલર પે રોલમાં લાવવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે ડભોઇ ધારાસભ્યની ભાઈલીમાં અશાંતધારાની માંગ છે, આવાસ યોજનામાં વિઘર્મી અરજદારો વધુ હોવાથી ડ્રો મુલતવી રાખવા તથા જરૂર પડે તો પ્લોટ કેન્સલ કરવા, લીનીયર પાર્કની કામગીરીમાં વિલંબ ન થાય, બિલ ,અટલાદરા, વડદલા રસ્તાઓનું પેચવર્ક, ટિમ્બર માર્કેટ વિવાદમાં પૈસા અથવા પ્લોટ પાછા લેવા , બિલ તળાવ બ્યુટીફિકેશન કરવા સહિતના મુદ્દે રજૂઆત થઈ હતી. તેમજ વડોદરા શહેર મહિલા ધારાસભ્યની સરદાર એસ્ટેટમાં બે ધાર્મિક સ્થાનો તથા હરણી તળાવ પાસે ધાર્મિક ગતિવિધિ મામલે જરૂરી તપાસ, પ્લાનિંગથી વધુ પ્લોટમાં બાંધકામની તપાસ, એરપોર્ટના ફનલ એરિયામાં ઊંચાઈની એનઓસીની તપાસ સહિતના મુદ્દે રજૂઆત થઈ હતી.








