RTO ચલણની લીંક ખોલતા વરાછાના વેપારીએ રૂ.4.40 લાખ ગુમાવ્યા
મૂળ અમરેલીના પંકજભાઈ ઠેસીયાના એકાઉન્ટમાંથી રૂ.49,999 કપાયા તે સાથે જ બેન્કમાંથી ફોન આવતા ટ્રાન્ઝેક્શન કેન્સલ કરાવ્યું હતું
ત્યાર બાદ પણ મેસેજ આવતા હોય બેન્કના રીલેશનશીપ મેનેજર સાથે વાત કરતા હતા ત્યારે ત્રણ એકાઉન્ટમાંથી પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે પૈસા કપાઈ ગયા
- મૂળ અમરેલીના પંકજભાઈ ઠેસીયાના એકાઉન્ટમાંથી રૂ.49,999 કપાયા તે સાથે જ બેન્કમાંથી ફોન આવતા ટ્રાન્ઝેક્શન કેન્સલ કરાવ્યું હતું
- ત્યાર બાદ પણ મેસેજ આવતા હોય બેન્કના રીલેશનશીપ મેનેજર સાથે વાત કરતા હતા ત્યારે ત્રણ એકાઉન્ટમાંથી પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે પૈસા કપાઈ ગયા
સુરત, : સુરતના નાના વરાછામાં રહેતા અને ઓનલાઈન વેપાર કરતા મૂળ અમરેલીના આધેડે મોબાઈલ ફોન ઉપર આવેલી આરટીઓ ચલણની લીંક ખોલતા તેમના ત્રણ બેન્ક એકાઉન્ટમાંથી પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.4.40 લાખ કપાઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી લાઠી કેરાળાના વતની અને સુરતમાં નાના વરાછા યમુનાનગર વિભાગ 1 ઘર નં.એ-27 માં રહેતા 48 વર્ષીય પંકજભાઇ ગોબરભાઇ ઠેસીયા સરથાણા યોગીચોક એપલ સ્કવેર ખાતે ટેક્ષટાઈલ પ્રોડક્ટ ઓનલાઈન વેચવાનું કામ કરે છે.તેમના એચડીએફસી બેન્કમાં ત્રણ એકાઉન્ટ છે.ગત 30 મી ની સવારે 10.52 કલાકે તે ઓફિસે હાજર જતા ત્યારે તેમના એક બેન્ક એકાઉન્ટમાંથી રૂ.49,999 કપાતા તરત બેન્કમાંથી તેમને ફોન આવ્યો હતો.તેમણે પોતે ટ્રાન્ઝેક્શન કર્યું નથી તેમ કહેતા બેન્કે તે ટ્રાન્ઝેક્શન કેન્સલ કર્યું હતું.જોકે, ત્યાર બાદ પણ બેન્કમાંથી પૈસા કપાયાના મેસેજ આવતા હોય તેમણે બેન્કના રીલેશનશીપ મેનેજરને ફોન કરી બાદમાં કસ્ટમર કેરમાં પ્રોસેસ કરાવી હતી.
જોકે, તે સમય દરમિયાન તેમના ત્રણ બેન્ક એકાઉન્ટમાંથી કુલ પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.4,39,658.01 કપાઈ ગયા હતા.આ અંગે તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઇનમાં ફોન કરીને જાણ કરી હતી.બાદમાં પહેલી જુલાઈના રોજ બેન્કમાંથી ફોન કરી તેમને પૂછ્યું હતું કે તમારા ફોનમાં આરટીઓ ચલણની લીંક આવી હતી? તે સમયે પંકજભાઈને જાણ થઈ હતી કે તેમણે તે લીંક ખોલ્યા બાદ પૈસા કપાઈ ગયા હતા.આ અંગે તેમણે ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વુમન પીઆઈ એસ.એ.શાહે વધુ તપાસ હાથ ધરી છે.