વરાછા ચોક્સી બજાર ખૂલ્યું આજથી ત્રણેય હીરા બજાર બપોરે 2 થી 6 ચાલુ રખાશે
ચોક્સીબજાર ચાર કલાક ખૂલ્યું પણ હાજરી પાંખીઃ ત્રણેય બજાર શરૃ થાય તો કામકાજમાં વધારો થવાની આશા
સુરત, 29 જુલાઈ, 2020, બુધવાર
વેપારીઓ, દલાલો અને મેન્યુફેક્ચરર્સ હીરાના વેપાર અને પેન્ડિંગ કામો બતાવી શકે તે માટે આજે વરાછા ચોકસી બજાર ચાર કલાક માટે બપોરે બે વાગ્યે ખોલવામાં આવ્યું હતું. જોકે, બજારમાં ખૂબ જ પાંખી હાજરી રહી હતી. આ સાથે મહિધરપુરા હીરાબજારની જેમ વરાછાના ત્રણેય બજાર આવતીકાલથી 2 થી 6 ખોલવાનું નક્કી કરાયું છે.
વરાછા ચોકસી બજારને વેપારીઓ અને દલાલોની સગવડતા માટે આજે ખુલ્લું કરવામાં આવ્યું, પણ માંડ દસ-પંદર ટકા હાજરી જોવાઇ હતી. કોરોનાના ડરને કારણે 50 ટકા લોકો સુરત છોડી ગયાં છે. અત્યારે પણ ડર હોવાને કારણે બહાર નીકળતા નથી, એટલે હાજરી ઓછી છે. આજે વરાછા હીરા બજારમાં માંડ 400 થી 500 લોકોની હાજરી જોવાઇ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કોવિડ-19 અંતર્ગત કોરોના સંક્રમણ અટકાવવા માટે હીરા બજારને સ્વેચ્છિક બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પણ હવે કામકાજ માટે ખુલ્લું રાખવામાં આવે એવી માંગ થઈ રહી હોવાથી, ચોકસી બજાર અને માનગઢ વિભાગ 1 અને 2 આવતીકાલે બપોરે થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રાખવાનું નક્કી થયું છે. બજાર શરૃ થાય તો, કામકાજ ધીરે ધીરે આગળ વધે એટલે બજાર ખોલવા જરુરી છે.
બીજી તરફ મહિધરપુરા હીરા બજાર બપોરે 2થી સાંજના 6 વાગ્યા સુધી ખોલવામાં આવે છે. વરાછા બંધ હોવાને કારણે ઘણા વેપારીઓ અને દલાલો મહિધરપુરા બજારમાં કામકાજ કરી રહ્યા છે. પણ કામકાજ કરવા માટે ચાર કલાકનો સમય અપૂરતો હોવાનો ગણગણાટ પણ વેપારીઓ અને દલાલોમાં છે.