વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ
Vapi Court Order : વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા પરિવારની કિશોરી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં વાપી એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. વર્ષ 2018માં કિશોરીના માતા-પિતા વતન ગયા તે વેળા આરોપીએ ગંભીર કૃત્ય કર્યું હતું.
કેસની વિગત એવી છે કે વાપીના ચણોદ ગામે પરિવાર રહે છે. ગત તા.07-06-2018ના રોજ દંપતિ માદરે વતન ભાવનગર ગયું હતું. દંપતિને સગીર વયની પુત્રી કામીની (નામ બદલ્યું છે) ને બિલ્ડિંગમાં જ રહેતા સંબંધીને ત્યાં મુકી ગયા હતા. ગત તા.08-06-2018ના રોજ બિલ્ડિંગમાં જ રહેતા અનિકેત હરેન્દ્ર સિંધે કામીનીને ઇસારો કરી બોલાવી રૂમમાં લઇ ગયો હતો. બાદમાં દરવાજો બંધ કરી અનિકેતે કામીનીનું શારીરિક શોષણ કર્યુ હતું. એટલું જ નહી પણ અનિકેતે આ વાત કોઈને કરશે તો બિહાર ઉપાડી લઇ જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કામીની માતા વતનથી આવ્યા બાદ આખી બીના જણાવી હતી.
અનિકેતના ગંભીર કૃત્ય અંગે માતાએ પોલીસમાં ફરિયાદ કરાયા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડયો હતો. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ પિડિતા સહિત અનેકની જુબાની, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવા સાથે દલીલો કરી હતી. જજ એચ.એન.વકીલે દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અનિકેત સિંઘને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.