Get The App

વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ: 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ: 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા 1 - image

Valsad News: વાપીના ડુંગરા વિસ્તારમાં ગત ઓક્ટોબર, 2023માં ભારે ચકચારી બનેલા છ વર્ષની માસૂમ બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યા કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આજે અધમ કૃત્ય કરનાર આરોપી રજાક સુભાન ખાનને ફાંસીની સજા ફટકારતો એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ પોક્સો એક્ટના જજ એચ.એન. વકીલે કેસની ગંભીરતાને ધ્યાને લઈને લગભગ 500 પાનાનો ચુકાદો આપ્યો હતો, જેમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. આ સાથે કોર્ટે ભોગ બનનારના પરિવારને વળતર પેટે રૂ. 17 લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. વલસાડ જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ ફાંસીની સજાનો આ બીજો ચુકાદો છે.

શું હતી ઘટના?

આ ગંભીર ઘટના ઓક્ટોબર 2023માં બની હતી, જ્યારે વાપીના ડુંગરી ફળિયામાં રહેતા એક પરિવારની છ વર્ષીય બાળકીની કરવડ ગામે દમણગંગા નદી કિનારેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ જિલ્લા પોલીસ તુરંત હરકતમાં આવી હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને, સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી, જેમાં એક શખ્સ બાળકીને લઈ જતો કેદ થયો હતો. પોલીસે સ્થાનિક રહીશોની મદદથી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી ગણતરીના કલાકોમાં આરોપી રજાક સુભાન ખાનને કરવડ ગામની સીમમાંથી ઝડપી લીધો હતો. આરોપીએ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

ચોકલેટની લાલચ આપીને આચર્યું હતું કૃત્ય

આરોપી રઝાક સુભાન ખાને એક શ્રમજીવી પરિવારની માત્ર છ વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપીને ઝાડીઓમાં લઈ ગયો હતો. નરાધમે બાળકી પર પહેલા દુષ્કર્મ આચર્યું અને પછી તેની હત્યા કરી હતી.

9 દિવસમાં જ 700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ

પોલીસની સૌથી પ્રશંસનીય કામગીરી એ રહી કે, ડુંગરા પોલીસના તત્કાલિન પીઆઈ મયુર પટેલ અને તેમની ટીમે આરોપી વિરુદ્ધના તમામ પુરાવાઓ, જેમાં સાક્ષીઓની જુબાની, મેડિકલ ફોરેન્સિક પુરાવા, પંચક્યાસ, રીકન્ટ્રક્શન પંચનામું, આરોપીઓનો ફેઇઝ રેકગ્નાઇજેશન, ગેટ એનાલિસિસ સહિતના ટેકનિકલ પુરાવાઓનો સમાવેશ થાય છે, તે માત્ર 19 દિવસના ટૂંકા ગાળામાં તૈયાર કરીને 700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.


વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ: 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા 2 - image

પાંચ ચેકપોસ્ટ ઉભી કરી આરોપીને પકડી પાડ્યો

આરોપી ભાગી ન જાય તે માટે ડુંગરા વિસ્તારમાં પાંચ ચેકપોસ્ટ પણ ઊભી કરાઈ હતી અને 150થી વધુ પોલીસ જવાનો તેમજ 500થી વધુ સ્થાનિક લોકો દ્વારા આરોપીને પકડવા માટે મહેનત કરાઈ હતી.

સરકારી વકીલની ધારદાર દલીલો

વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ  નયન સુખડવાલાએ ભોગ બનનારના પરિવારના સભ્યો, ડોક્ટરના નિવેદનો અને ટેકનિકલ, ફોરેન્સિક પુરાવાઓ સાથે અનેક મુદ્દાઓ પર ધારદાર દલીલો કરી હતી. કોર્ટે આ તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં લઈને આરોપીને ફાંસીની સજા ફટકારી છે, જેથી ભવિષ્યમાં આવા અધમ કૃત્યો આચરવાની હિંમત કોઈ ન કરે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લામાં પોક્સો એકટ હેઠળ ફાંસીનો બીજો ચુકાદો

વલસાડ જિલ્લામાં પીક્સો એકટ હેઠળ કોર્ટે ફાસીનો બીજો ચુકાદો આપ્યો છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2010માં વાપીની 9 વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કર્યાના કેસમાં પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર ગુપ્તાની ધરપકડ કરી હતી. આ કેસમાં વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ સાક્ષીઓ અને પુરાવા સાથે દલીલો કરતા જજે આરોપીને ફાંસીની સજા ફટકારતો પોક્સો એકટ હેઠળ વલસાડ જિલ્લાનો પ્રથમ ચુકાદો આપ્યો હતો. કોર્ટે ભોગ બનનારના પરિવારને રૂ. 17 લાખ વળતર પેટે ચુકવવા પણ આદેશ કર્યો હતો.