વાપીની કોલેજના પ્રાધ્યાપકે કૌન બનેગા કરોડપતિ શોમાં રૂ.25 લાખ જીત્યા
Vapi News : વાપીની કોલેજના પ્રાધ્યાપકે ટી.વીના ગેમ શો કૌન બનેગા કરોડપતિમાં રૂ.25 લાખની રકમ જીતી લીધી છે. 13 પ્રશ્નોના જવાબ આપ્યા બાદ 14 પ્રશ્નમાં મુંઝવણ થતાં તેણે ગેમ છોડી દેવાનું પસંદ કર્યું હતું.
મૂળ મહારાષ્ટ્રના ભૂષણ શરોદે વાપી સ્થિત કોલેજમાં આસિ.પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. ભૂષણ શરોદે લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લેવા બે વખત પ્રયત્ન કર્યા હતા. પરંતુ કિસ્મતે સાથ આપ્યો ન હતો. આખરે આ વખતે કે.બી.સી.માં જવાનો મોકો મળી ગયો હતો. આવતીકાલે મંગળવારે રજૂ થનારા એપિસોડમાં ભૂષણ શરોદે 13 પ્રશ્રનોના જવાબ આપ્યા હતા. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને રૂ.50 લાખ માટે 14મો પ્રશ્ન પૂછતા ભૂષણ શરોદેને ઉત્તર બાબતે મુંઝવણ થતાં 25 લાખ જીતી ગેમ છોડી દીધી હતી.
પ્રા.ભૂષણ શરોદે જણાવ્યું કે લોકપ્રિય શો કે.બી.સી.માં ભાગ લેવા ભારે સંઘર્ષ કરતા આખરે મને સફળતા મળી અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાનો જે મોકો મળ્યો તે મારા જીવનની સૌથી શ્રેષ્ઠ સમય હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળા હોવાથી માતા પિતાની પ્રેરણા અને સહયોગને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધી મને શિક્ષણને કારણે કે.બી.સી.માં સફળતા મળી હોવાનું કહી શિક્ષણ એ એક એવું હથિયાર છે કે જે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે તેમ ઉમેરી કોલેજના ચેરમેન અને સ્ટાફને ખૂબ જ સહયોગ મળ્યો હતો.
અત્રે નોંધનીય છે કે વર્ષ 2007માં વાપીના કચીગામ રોડ પર રહેતા વિશાલ માલવીયાએ કૌન બનેગા કરોડપતિ શોમાં રૂ.25 લાખ જીત્યા હતા. તેણે 12 પ્રશ્ર્નોના જવાબ બાદ 13મો પ્રશ્ર્નના ઉત્તર બાબતે મુંઝવણ થતા ગેમ છોડી દીધી હતી.