વાપી શહેર કોંગ્રેસે રેલવે ફ્લાય ઓવરના મંથરગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું
Vapi Congress : વાપી રેલવે ફ્લાય ઓવર નિર્માણની કામગીરી ૩ વર્ષ બાદ પણ પૂર્ણ નહીં થતા લોકોને પડી રહેલી હાલાકી અંગે વાપી કોંગ્રેસે મોરચો કાઢ્યો હતો. પીડબ્લ્યુ વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ કરી સમસ્યાનો હલ નહી થાય તો કચેરીને તાળાબંધી કરવાની ચિમકી આપી હતી.
વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે ફ્લાય ઓવર તોડી પાડી નવો ફ્લાય ઓવર બનાવવા ત્રણ વર્ષ અગાઉ પ્રારંભ કરાયા બાદ હજી સુધી નિમાર્ણ કાર્ય પૂર્ણ નહી થતા વાપીવાસીઓ ભારે યાતના ભોગવી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા અને લોકોને પડતી મુશ્કેલી અંગે આજે મંગળવારે વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી, માજી પાલિકા વિપક્ષ નેતા ખંડુ પટેલ, આગેવાનો સહિત કાર્યકરોએ પીડબ્લ્યુ કચેરીએ મોરચો કાઢી આવેદનપત્ર પાઠયવ્યું હતું. જેમાં વર્ણવ્યા મુજબ રેલવે ફ્લાય ઓવર તોડી પાડી નિર્માણ કામગીરી શરૂ કરાઇ હતી. જો કે ત્રણ વર્ષ બાદ કામગીરી પૂર્ણ નહીં કરાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક સમસ્યાને લઇ શાળા વિદ્યાર્થીઓ સહિત નોકરી ધંધાર્થી વર્ગ હાલાકી ભોગવી રહ્યા છે. આ જટિલ સમસ્યાનો હલ નહી થાય તો કચેરીને તાળાબંધી કરવાની ચિમકી આપી હતી.
વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશીએ જણાવ્યું કે વાપી પૂર્વ અને પશ્ચિમ તરફ આવાગમ માટેના રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ 18 મહીનામાં પૂર્ણ કરવા જાહેરાત થયાબાદ ત્રણ વર્ષ સુધી કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ નહી કરતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર પોતાના જ મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપતા હોય છે. હજી સુધી 70 ટકા કામગીરી બાકી હોવાનું ઉમેરી ભાજપ સરકારને પ્રજાની હાલાકી સાથે કોઇ મતલબ નથી, તેઓને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ મતલબ હોવાનું જણાવી આકરા પ્રહાર કર્યા હતા.