વાપીના ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો, જિલ્લા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી
ત્રણ શાર્પશુટરો ગોળીબાર કરી હત્યાને અંજામ આપી ભાગી ગયા હતા
પ્રાથમિક તપાસમાં હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી
વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની હત્યા કેસમાં પોલીસે ભેદ ઉકેલી સોપારી આપનાર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. હત્યા માટે યુ.પી.ના શાર્પશુટરને રૂ.19 લાખમાં સોપારી આપી રૂ.10 લાખ ચુકવી દીધા હતા. જો કે ત્રણ શાર્પશુટરો પોલીસના હાથ લાગ્યા નથી. જુની અદાવતમાં ઉપપ્રમુખની હત્યા કરવા કાવતરૂ રચી અંજામ અપાયો હતો. વાપીના કોચરવા ગામે મોટાઘર ફળિયામાં રહેતા અને વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ કીકુભાઈ પટેલ પર ગત તા.8-5-23ના રોજ રાતા મહાદેવ મંદિર નજીક બાઈક પર આવેલા ત્રણ શાર્પશૂટરો ગોળીબાર કરી ભાગી છૂટયા હતા. શૈલેષ પટેલનું મોત થયું હતું. શૈલેષ પટેલની પત્ની મંદિરમાં ગઈ તે વેળા તેઓ સ્કોર્પિયો ગાડીમાં બેઠા હતા ત્યારે ઘટના બની હતી.
આ ઘટના જૂની અદાવતને કારણે થઈ હોવાના આક્ષેપ સાથે પરિવારે છ વ્યકિતઓ સામે કાવતરૂ રચવા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શકમંદોને રાઉન્ડઅપ કરી પૂછપરછ આદરી હતી. જો કે આરોપીઓ દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું ન હતું. પોલીસે હત્યારા સુધી પહોંચવા સઘન તપાસનો દોર શરૂ કર્યો હતો. ડુંગરા પોલીસ, એલસીબી, જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અનેક લોકોના નિવેદનો નોંધવાની સાથે સીસી ટીવી ફુટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને કડીના આધારે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
આ કેસમાં પોલીસે હત્યાની સોપારી આપનાર મિતેશ પટેલ, શરદ ઉર્ફે સદીયો પટેલ, વિપુલ પટેલ તથા મદદગારી કરનાર સત્યેન્દ્ર ઉર્ફે સોનુ રાજપૂત અને અજય ગામિતની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી. જુની અદાવતમાં આરોપીઓએ સોનુ રાજપૂતની મદદથી યુપીના ત્રણ શાર્પશૂટરની મદદથી ગુનાને અંજામ આપ્યો હતો. હત્યાને અંજામ આપવા રૂ.19 લાખમાં સોપારી અપાઈ હતી. જે પેટે રૂ.10 લાખ ચૂકવી દેવાયા હતા. પૂછપરછમાં શાર્પશૂટરના નામો ખૂલતા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા ચક્રોગતિમાન પણ કરાયા છે.
1650 કિ.મી. સુધીના એરિયામાં કેમેરાની ચકાસણી કરાઇ
ભાજપના ઉપપ્રમુખની હત્યા કેસમાં આરોપી સુધી પહોંચવા પોલીસે અનેક પાસાઓ સાથે તળિયાઝાટક તપાસ આદરી હતી. સંયોગિક પુરાવા એકત્રિત કરી આરોપી સુધી પહોંચવા જિલ્લા પોલીસની જુદી જુદી ટીમે કવાયત આદરી લગભગ 1650 કિ.મી. વિસ્તારમાં સીસી ટીવી કેમેરાની ચકાસણી કરી હતી. ફુટેજમાં પોલીસને કડી હાથ લાગી હતી. બાઇક પર આવેલા ત્રણ શખ્સો ગુનાને અંજામ આપી સેલવાસ નાસિક, ઇન્દોર, દેવાસ થઇ યુ.પી ભાગી ગયા હતા. ત્રણ પૈકી બે શાર્પશૂટર બાઇક પર નિકળી ગયા અને એક અન્ય વાહનમાં ભાગી ગયો હતો.
પાંચ પૈકી ચાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
હત્યા કેસમાં પકડાયેલા પાંચ આરોપી પૈકી ચાર સામે અગાઉ પોલીસમાં ગુના નોંધાયા હતા. જેમાં કોચરવા ગામે રહેતા શરદ ઉર્ફે શરદ પટેલ, મિતેશ પટેલ અને વિપુલ પટેલ સામે વાપી ટાઉન અને ડુંગરા રાયોટિંગ, મારી નાંખવાનો પ્રયાસ અને મારામારીના ત્રણ ગુના નોંધાયા હતા. મિતેશ પટેલ સામે થોડા મહિના અગાઉ જાનથી મારી નાંખવાના પ્રયાસ અંગે ગુનો નોંધાયો હતો. જ્યારે અજય ગામિત સામે હત્યા અને પ્રોહોબીશનનો ગુનો નોંધાયો હતો.
શાર્પશૂટરને નવી બાઇક અપાવી હતી
ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા કેસમાં અનેક ચોકાવનારી વિગતો બહાર આવી છે. હત્યાની સોપારી આપનારે યુ.પી.ના ત્રણ શાર્પશૂટરનો અન્ય આરોપી મારફતે સંપર્ક કરાવાયો હતો. એક વર્ષ અગાઉ ત્રણ શાર્પશૂટરને બોલાવી દમણમાં રખાયા હતા. શાર્પશુટરના નામે દમણથી બજાજ પલ્સર બાઇક ખરીદી હતી. બે મહિના સુધી શાર્પશુટરોએ બાઇક પર શૈલેષ પટેલની રેકી કરી હતી. જો કે ગુનાને અંજામ આપવા સફળ રહ્યા ન હતા. દમણમાં બાઇક મુકી શાર્પશુટરો પરત નિકળી ગયા હતા. ફરી તા.3-5-23ના રોજ શાર્પશુટરો યુ.પી. થી આવ્યા બાદ વાપીના પંડોર ગામે વાડીમાં રોકાયા હતા. તા.8-5-23ના રોજ ગુનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.
એક વર્ષ અગાઉ જ હત્યાની સોપારી અપાઇ હતી
શૈલેષ પટેલની હત્યામાં પકડાયેલા આરોપી મિતેશ પટેલ, શરદ પટેલ અને વિપુલ પટેલે વાપીના ચણોદ રહેતા સત્યેન્દ્ર ઉર્ફે સોનુ રાજનાથસિંગ રાજપૂત સાથે હત્યા અંગે વાતચીત કરી હતી. બાદમાં ચલા ખાતે રહેતા અજય સુમનભાઇ પટેલની મદદથી એક વર્ષ અગાઉ પ્લાન બનાવાયો હતો. સોનુએ યુ.પી.ના શાર્પશુટરનો સંપર્ક કરી વાતચીત કરી હતી. આરોપીઓએ શૈલેષ પટેલની હત્યા કરવા શાર્પશુટર સાથે મળી આખું ષડયંત્ર ગોઠવી દીધું હતું. એક વખત સફળ નહી થયા બાદ બીજી વખતે ગુનાને અંજામ અપાયો હતો. શરદ પટેલની સોનુ સાથે જેલમાં ઓળખાણ થઇ હતી. મિત્રતાને લઇ સોનુનો સંપર્ક કરાયો હતો.