Get The App

કમલમમાં વંદે માતરમ્ રાષ્ટ્રગીતનું ગાન ઓછું, મોટાભાગે શ્રવણ થયું

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
કમલમમાં વંદે માતરમ્ રાષ્ટ્રગીતનું ગાન ઓછું, મોટાભાગે શ્રવણ થયું 1 - image

ભાજપના અનેક કોર્પોરેટરો ગેરહાજર : કોંગ્રેસે કાર્યક્રમ જ ન યોજ્યો : આખુ ગીત મોટાભાગનાને આવડતું નથી અને શહેર પ્રમુખે નેતાઓને ગીત લખેલું પેમ્પલેટ પૂરૂ પાડવાની તસ્દી ન લીધી 

 રાજકોટ, : બંગાળી બ્રાહ્મણ પરિવારમાં નૈહાતી નોર્થ 24 પરગણાના કંથલપુર નામના નાનકડા ગામમાં ઈ.સ. 1838માં જન્મેલા બંકિમચંદ્ર ચેટરજીએ સંભવતઃ ઈ. 1875માં રચેલા અને આઝાદી પછી તેની બે પંક્તિઓ રાષ્ટ્રીય ગીત તરીકે સરકારે માન્ય કરેલા વંદે માતરમ્ ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે રાજકોટમાં સરકારી કચેરીઓ, મહાપાલિકા, જિલ્લા પંચાયત, રેલવે, શાળા કોલેજોમાં આ ગીતના સમુહ ગાનનું આયોજન કરાયું હતું. ભાજપના કમલમ્ ખાતે પણ ધારાસભ્યો,સાંસદો વગેરેની હાજરીમાં આયોજન થયું હતું જેમાં આખુ ગીત કોઈને મોઢે ન હોય મોટાભાગે ગીતના સમુહગાનને બદલે સમુહ શ્રવણ થયું હતું. 

વંદે માતરમ્ ગીતમાં સુજલાં,સુફલામ્ થી શરૂ કરીને ધરણીમ્, ભરણીમ્ માતરમ્ સુધીનું આખુ ગીત ટાઈપ કરાવીને નેતાઓને આપવાની શહેર ભાજપ પ્રમુખ દ્વારા વ્યવસ્થા કરવાની તસ્દી લેવાઈ ન્હોતી. આથી ગીત ભાગ્યે જ કોઈ ગાતુ હતું તો કોઈ હોઠ ફફડાવતા હતા અને મોટાભાગનાએ સાવધાનની સ્થિતિમાં ઉભા રહીને ગીતને સન્માન સાથે શ્રવણ કર્યું હતું.  આ રાષ્ટ્રીય ગીતના કાર્યક્રમ ભાજપ સરકાર દ્વારા યોજાયો તેમાં ભાજપના અર્ધોઅરધ કોર્પોરેટરો અને અનેક નેતાઓની પણ ગેરહાજરી જોવા મળી હતી.

આ ગીત રચાયા પછી ઈ. 1896 થી કોંગ્રેસના અધિવેશનમાં તે ગાવાનું શરૂ કરાયું હતું પરંતુ, આજે કોંગ્રેસ દ્વારા આ ગીતના સમુહ ગાન સહિતના કોઈ કાર્યક્રમ જ યોજાયો નથી. વાસ્તવમાં કોંગ્રેસની સરકાર વખતે, જો કે સમગ્ર ગીતની પ્રથમ બે પંક્તિને પણ તેને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપવામાં આવી હતી અને આકાશવાણી રેડિયો ઉપરથી પ્રારંભે જ આ ગીત વર્ષો પહેલા વાગતુ રહ્યું છે.  જો કે, ઉજવણીની સાથે આ ગીતને સાર્થક કરવા, માતૃભુમિ, જ્યાં વસે છે, જ્યાં સત્તા છે ત્યાં ધરતીમાતાને હરિયાળી,પ્રદુષણ મુક્ત કરીને દેશભક્તિ કેટલી દર્શાવાય છે તે વિશેષ મહત્વનું છે.