Get The App

'વંદે માતરમ'ના 150 વર્ષ: આ ગીતની રચના માટે બંકિમચંદ્ર ચેટર્જીને પ્રેરણા ક્યાંથી મળી? જાણો રોચક કિસ્સો

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
'વંદે માતરમ'ના 150 વર્ષ: આ ગીતની રચના માટે બંકિમચંદ્ર ચેટર્જીને પ્રેરણા ક્યાંથી મળી? જાણો રોચક કિસ્સો 1 - image


Vande Mataram 150th Anniversary: ભારતના રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે7 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. રાજ્યની તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો સમય સવારના 10:30થી સાંજે 6:10ને બદલે સવારના 9:30થી સાંજે 05:10 સુધીનો રહેશે અને  તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહીને ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવાનું રહેશે. ત્યારે આવો જાણીએ કેવી રીતે કેવી રાષ્ટ્રગીતની રચના થઈ અને શું છે તેનો અર્થ.... 

સ્વદેશી શપથ

હું, ભારતમાતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે, મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ. ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ. યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ. પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ. પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશનાં પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ. 

આ રીતે થઈ રાષ્ટ્રગીતની રચના, જાણો 'વંદે માતરમ્' શબ્દનો અર્થ

19મી સદી તેના અંત તરફ સરકી રહી હતી. ભારતને આઝાદી મળવાને હજુ વર્ષોની વાર હતી. ભારત માતાને અંગ્રેજોની ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરાવવા માટે નરબંકાઓ લોહીપાણી એક કરી રહ્યા હતા. એવામાં અંગ્રેજ સરકારના એક ડેપ્યુટી મેજીસ્ટ્રેટ પશ્ચિમ બંગાળમાં હાલના નૈહાટી વિસ્તાર એવા શિવપુરથી કાઠલપરા સુધી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. બારી બહારથી દેખાતા સુંદર દૃશ્યો માણી આ ડેપ્યુટી મેજીસ્ટ્રેટે એક કવિતાની રચના કરી. એ કવિતા એટલે વંદે માતરમ્ ! 

કવિતાનું શીર્ષક જાણી આ ડેપ્યુટી મેજીસ્ટ્રેટના નામ વિશે તો ખબર પડી જ ગઈ હશે ! આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સાહિત્ય અને દેશભક્તિના રંગે ગળાડૂબ રંગાયેલા. તેમને જન્મ 27 જૂન 1838ના રોજ નૈહાટી, બંગાળમાં થયો હતો. 

તે કલકત્તા યુનિવર્સિટીના પ્રથમ બે સ્નાતકોમાંના એક હતા. બ્રિટિશ શાસન દરમિયાન તેમણે ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી હોવા છતાં તેમના લેખનમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા દેખાય છે. બંકિમચંદ્રને આધુનિક બંગાળી સાહિત્યના જનક તરીકે માનવામાં આવે છે. તેમણે ‘દુર્ગેશનંદિની’, ‘કપાલકુંડલા’, ‘રાજસિંહ’ અને ‘આનંદમઠ’ જેવી અનેક અનન્ય કૃતિઓ રચી છે. 

ભારતની સ્વતંત્રતા આંદોલનને પ્રેરણાનું સૂર આપનાર ગીત 'વંદે માતરમ્' એ માત્ર એક રાષ્ટ્રગીત નહીં પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના છે. આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે. 

'વંદે માતરમ્' ગીતને અડધું સંસ્કૃત અને અડધું બંગાળી ભાષામાં રચ્યું હતું

'વંદે માતરમ્' શબ્દનો અર્થ છે  'હે માતૃભૂમિ, તને નમન'. આ ગીત પ્રથમવાર બંકિમચંદ્રની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ’(1882)માં પ્રગટ થયું હતું. આ ગીતમાં માતૃભૂમિને દેવીરૂપે આરાધવામાં આવી છે, જેની પવિત્રતા, સૌંદર્ય, સમૃદ્ધિ અને શૌર્યનું કાવ્યાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. બંકિમચંદ્રે આ ગીતને અડધું સંસ્કૃત અને અડધું બંગાળી ભાષામાં રચ્યું હતું. 

1950માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી

આ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ રવીન્દ્રનાથ ટાગોરે તૈયાર કર્યું હતું અને 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્રમાં પહેલીવાર જાહેરમાં ગવાયું હતું. ત્યારથી 'વંદે માતરમ્' એ સ્વાતંત્ર્યસેનાનીઓ માટે આંદોલનની ગર્જના બની ગયું. લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ અને અરવિંદો ઘોષ જેવા ક્રાંતિકારીઓ માટે આ ગીત પ્રેરણાનું સ્ત્રોત બન્યું. 15 ઑગસ્ટ 1947ની મધરાતે જ્યારે સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરક્યો ત્યારે જનસમૂહે એકસાથે 'વંદે માતરમ્'ના નાદ સાથે સ્વાતંત્ર્યનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. 1950માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી. 

રવીન્દ્રનાથ ટાગોરથી લઈને મહાત્મા ગાંધી સુધીની પેઢીને ઊંડો પ્રભાવ

તેમની કવિતાઓમાં માત્ર વંદે માતરમ્ જ નહીં, પરંતુ ‘જય ભારતી’, ‘ભારત માતા’ તથા કૃષ્ણ પર આધારીત અનેક ભક્તિગીતો પણ સામેલ છે. તેમની રચનાઓમાં ધર્મ, ભક્તિ અને રાષ્ટ્રભાવના વચ્ચેનું અદભૂત સંકલન જોવા મળે છે. બંકિમચંદ્રના વિચારો અને સર્જનશક્તિએ રવીન્દ્રનાથ ટાગોરથી લઈને મહાત્મા ગાંધી સુધીની પેઢીને ઊંડો પ્રભાવ પાડ્યો છે..

8 એપ્રિલ 1894ના રોજ બંકિમચંદ્રનું અવસાન થયું, પરંતુ તેમની કલમે રચેલા શબ્દો આજે પણ ભારતની આત્મા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. “વંદે માતરમ્” માત્ર એક ગીત નથી પણ રાષ્ટ્રના હૃદયનો ધબકાર છે. 


Tags :