અમદાવાદ,તા. 7 ઓક્ટોબર 2022, શુક્રવાર
ગત સપ્તાહે જ 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર-મુંબઈને જોડતી હાઈ સ્પીડ ટ્રેન, વંદે ભારત એક્સપ્રેસને વધુ એક અકસ્માત નડ્યો છે. ગુરૂવારે ભેંસ ટ્રેન સાથે અથડાતા એન્જિનના આગળના ફાઈબર બોડી ભાગને મસમોટું નુકશાન થયું હતુ પરંતુ આ ઘટનાના બીજા જ દિવસે ફરી આણંદ નજીક વંદે ભારત ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વંદે ભારત ટ્રેનને આણંદ જંકશન નજીક ગાય સાથે અકસ્માત નડ્યો છે. ગઈકાલે વટવા નજીક ટ્રેન સાથે ભેંસ અથડાતા એન્જિન બોડીને નુકશાન થયું હતુ. ભારે ફજેતી થતા તંત્રએ રાતોરાત બોડીનું સમારકામ કર્યું હતુ અને ફરી ગાડી દોડતી થઈ હતી પરંતુ આજે શુક્રવારે ફરી ટ્રેનના નોઝલ પેનલ સાથે ગાય અથડાતા નુકશાન થયું છે.

જોકે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આજના આ અકસ્માતમાં ટ્રેનને કોઈ વધુ નુકશાન નથી થયું. શુક્રવારે બપોરે 3.48 કલાકે ટ્રેન જ્યારે આણંદ નજીક હતી ત્યારે આ ઘટના બની હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુરે કહ્યું કે આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગને સામાન્ય ક્ષતિ પહોંચી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે.

આ પણ વાંચો: વંદે માતરમ ટ્રેન અકસ્માતમાં ભેંસના માલિક સામે થઇ ફરિયાદ


