Accident in Valsad: વલસાડ શહેરમાં આજે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં શાળાએથી ઘરે પરત ફરી રહેલી એક 16 વર્ષીય વિદ્યાર્થિનીનું મોપેડ પર અચાનક વૃક્ષ ધરાશાયી થતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય બે વિદ્યાર્થીઓને પણ ઇજા પહોંચી હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર રોડ પર બની હતી. બપોરના સમયે શાળા છૂટ્યા બાદ ત્રણ વિદ્યાર્થીઓ એક મોપેડ પર સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સર્જાયેલી અણધારી દુર્ઘટનામાં એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું અને સીધું જ તેમના મોપેડ પર પડ્યું હતું.
આ ભયાનક અકસ્માતમાં મોપેડ પર સવાર 16 વર્ષીય વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા અન્ય બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટના અંગે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે જાણ થતાં જ તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કરૂણ દુર્ઘટનાને પગલે સમગ્ર વલસાડ શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


