Get The App

વાપીના બલીઠામાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 21 આરોપીઓ ઝડપાયા, પૂછપરછમાં થયા મોટા ખુલાસા

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
વાપીના બલીઠામાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 21 આરોપીઓ ઝડપાયા, પૂછપરછમાં થયા મોટા ખુલાસા 1 - image


Valsad LCB: વલસાડ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન જુગારના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વલસાડ એલસીબી સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી કરતા બલીઠા, કોળીવાડ, ડુંગર ફળિયા, નવી નગરી સામે આવેલી એક બિલ્ડિંગના ત્રીજા માળેથી ઓનલાઈન જુગાર રમતા 21 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ રૂ. 6,42,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ એલસીબીના પીએસઆઇ જે.જી. પરમાર અને એલસીબી સ્ટાફના પોલીસકર્મીઓ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એલસીબી વલસાડના પોલીસ કોન્સ્ટેબલ તેજપાલસિંહ મહેન્દ્રસિંહ સિસોદીયા અને હિતેષ હમલભાઈ ચાવડાને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે વાપીના નવી નગરી સામે, અશોકભાઈ નમુભાઈની ચાલીના ત્રીજા માળે આવેલા એક રૂમમાં દરોડો પાડવામાં આવ્યા હતા. 

અહીં આરોપીઓ ઓનલાઈન વેબસાઈટ-એપ્લિકેશનો પર અલગ અલગ ઓનલાઈન રમતો દ્વારા ગ્રાહકોને ઓનલાઇન જુગાર રમાડી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગાર માટે ઉપયોગમાં લેવાયેલ કોમ્પ્યુટરો, લેપટોપ, મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ, પાસબુક, ખુરશી, ડી.વી.આર., સી.સી.ટી.વી. કેમેરા, સ્માર્ટ ટી.વી. અને વાઈફાઈ રાઉટર સહિતનો  રૂ. 6,42,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પૂછપરછમાં થયા મોટા ખુલાસા

પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન વોન્ટેડ આરોપીઓ ધીરલ અશોકભાઈ પટેલ અને અશોકભાઈ નમુભાઈ પટેલ (બંને રહે. બલીઠા, કોળીવાડ, તા. વાપી જી.વલસાડ) ના નામ સામે આવ્યા છે. આ બંને આરોપીઓ અન્ય પકડાયેલા આરોપીઓને માસિક પગારે નોકરી પર રાખી, રહેવા-જમવાની અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડી પોતાની માલિકીની ત્રણ માળની બિલ્ડીંગના ત્રીજા માળે આ જુગારધામ ચલાવી રહ્યા હતા.

વોટ્સએપ નંબરો પર કસ્ટમરોનો સંપર્ક કરવામાં આવતો હતો

આરોપી અભિષેક યાદવ મેનેજર તરીકે કામ કરતો અને બધાની દેખરેખ રાખતો હતો. અભિષેક યાદવ અને ધીરલ પટેલ મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને આ ઓનલાઈન જુગાર ચલાવતા હતા. મોબાઈલ ફોનમાં કાર્યરત વોટ્સએપ નંબરો પર કસ્ટમરોનો સંપર્ક કરવામાં આવતો હતો અને તેમની માંગણી મુજબ અલગ અલગ એપ્લિકેશનોના આઈ.ડી. પાસવર્ડ બનાવી ઓનલાઈન માધ્યમથી પૈસા લઈ કસ્ટમરોની આઈ.ડી.માં કોઈન જમા કરવામાં આવતા હતા.

ગ્રાહકો ક્રિકેટ, ફૂટબોલ, કસિનો જેવી અલગ અલગ રમતો જેમ કે તીનપતી, ડ્રેગન ટાઈગર, એવીયેટર, ગોલ્ડ, 11 એક્સપ્લે, લેસર 247, મારિયો, લક્ષબેટ, વજીર, કે.ડી. એક્સચેન્જ જેવી રમતો પર પૈસાથી હારજીતના સોદાઓ લગાવી જુગાર રમતા હતા. હારજીતના પૈસા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ડીપોઝીટ/વિડ્રોલ કરવામાં આવતા હતા. જો કોઈ ગ્રાહક પૈસા જીતે તો વિડ્રોલ કરવા માટે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આપતા હતા. ત્યારબાદ ગ્રાહકના એકાઉન્ટ નંબર વગેરેની માહિતી મેળવી માંગણી મુજબ પૈસા વિડ્રોલ કરવામાં આવતા હતા.પોલીસે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી 21 આરોપીઓની ધરપકડ કરી છે.

કબજે કરેલો મુદામાલ

કોમ્પ્યુટરો તથા લેપટોપ નંગ-24 કિં.રૂ.2,47,000/-

મોબાઇલ ફોન નંગ-78 કિં.રૂ.3,21,500/-

એ.ટી.એમ. કાર્ડ નંગ-67

બેન્કની પાસબુક નંગ-49 

ખુરશી નંગ-19 કિં.રૂ.9,500/-

ડી.વી.આર. નંગ-1 કિં.રૂ.5,000/-

સી.સી.ટી.વી. કેમેરા નંગ-04 કિં.રૂ.2,000/-

સ્માર્ટ ટી.વી. નંગ-02 કિં.રૂ.50,000/-

વાઇફાઇ રાઉટર નંગ-07 કિં.રૂ.7,000/-

કુલ કિંમત રૂ.6,42,000/-

Tags :