જનેતાનો હત્યારો પુત્ર: વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીંકી માતાની હત્યા કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Crime: વલસાડ જિલ્લાના ઉમરગામમાં માહ્યાવંશી ફળિયામાં અસ્થિર મગજના પુત્રએ સગી જનેતા પર ત્રિકમ વડે હુમલો કરી ગળુ કાપી હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાને પગલે પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયા બાદ લાશનો કબજો લીધો હતો. માતા પુત્રને દવા પીવડાવવા જતા ગુસ્સામાં આવી કૃત્ય કરાયાનું જાણવા મળી રહ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, ઉમરગામના માહ્યાવંશી ફળિયામાં 70 વર્ષીય પાર્વતિબેન માહયાવંશી પરિવાર સાથે રહેતા હતા. સોમવારે (નવમી ફેબ્રુઆરી) મોડીસાંજે મકાનમાંથી પાર્વતિબેનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાને પગલે ફળિયાના રહીશો દોડી ગયા બાદ પોલીસને જાણ કરી હતી. બાદમાં પી.આઇ. ચોધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળે હાથ ધરેલી તપાસમાં મૃતક પાર્વતિબેનના અસ્થિર મગજના પુત્ર 40 વર્ષીય સતિષ માહયાવંશીએ જનેતા પર ત્રિકમ વડે જીવલેણ હુમલો કરી ગળુ કાપી માતાને મોતને ઘાટ ઉતારી હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે
પોલીસે ઘટના સ્થળે પંચકયાસ કરી લાશનો કબજો લીધો હતો. મકાનમાં ઠેરઠેર લોહીની ધારા વહેતી જોવા મળતા એકત્રિત લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતક પાર્વતિબેનનો પુત્ર અસ્થિર મગજનો હોવાથી લાંબા સમયથી ટ્રીટમેન્ટ ચાલતી હતી. મોડીસાંજે રાબેતા મુજબ માતા પુત્રને દવા પીવડાવવા જતા ગુસ્સામાં આવી પુત્રએ હુમલો કરી જનતાને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટના અંગે ફરિયાદ દાખલ કરી હતી.








