વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં
Valsad Congress: વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાઇવે બિસ્માર બની જતા આજે મંગળવારે બગવાડા ટોલનાકા પર ભારે વિરોધ પ્રદર્શન કરી આક્રોશ ઠાલવ્યો હતો. મહિલા સહિતના કાર્યકરો રોડ નહી તો ટોલ નહી, ભાજપ ભગાવો ભ્રષ્ટાચાર ભગાવો, ખાડાઓથી અકસ્માત અટકાવો સહિતના બેનરો સાથે જોડાયા હતા. આગેવાનો સહિત કાર્યકરો રોડ પર બેસી ગયા હતા. વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 બિસ્માર બની જવા સાથે ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા બાદ વલસાડના આધેડનો ભોગ લેવાતા તંત્ર સામે ભારે રોષ ઉઠ્યો છે.
આજે મંગળવારે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા ટોલનાકા પર' રોડ નહી તો વોટ નહી'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. નવા વરાયેલા જિલ્લા પ્રમુખ કિશન પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ, વાપી શહેર પ્રમુખ નિમેશ વશી, આગેવાનો સહિત કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મહિલા સહિતના કાર્યકરો 'રોડ નહી તો ટોલ નહી, ભાજપ ભગાવો ભ્રષ્ટાચાર ભગાવો, ખાડાઓથી અકસ્માત અટકાવો' સહિતના બેનરો સાથે જોડાયા હતા. આગેવાનો સહિત કાર્યકરો રોડ પર બેસી ગયા હતા. જેને કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ હતી. પોલીસે દરમિયાનગીરી કર્યા બાદ ટ્રાફિક હળવો થયો હતો.
આગેવાનોએ હાઈવે પર પડેલા ખાડાને કારણે નિર્દોષ વ્યક્તિઓ ભોગ બની રહ્યા છે, ત્યારે તંત્ર ગંભીર બની પગલા ભરે તેમ જણાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે હાલમાં જ પારડીમાં ખાડાને કારણે વલસાડના બાઇક ચાલકનું મોત થતા પરિવાર પર આફત આવી ગઇ હોવાનું જણાવ્યું હતું. હાઇવે અને જિલ્લાના અનેક રોડો બિસ્માર બની જતા અકસ્માતનો બનાવો અને નિર્દોષના ભોગ લેવાતા તંત્રને જગાડવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે હાઇવે પર પડેલા ખાડા અને બિસ્માર હાલત અંગે હાલમાં જ ટેક્સી એસોસિએશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશને બગવાડા ટોલનાકા પર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ પણ કરી હતી.