Get The App

ભાવનગરના વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો, સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરના વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો,  સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના 1 - image


Bhavnagar News: ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં ગુરૂવારે પાટીદાર વૃદ્ધ ખેડૂત પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં તંગદિલીનો માહોલ છે. આ ઘટનાના પડઘા સુરત સુધી પડ્યા છે, જ્યાંથી મોટી સંખ્યામાં પાટીદારો કાળાતળાવ પહોંચ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 7 ઓગસ્ટ 2025 (ગુરૂવાર)ના રોજ વલ્લભીપુરના કાળાતળાવ ગામના પાટીદાર ખેડૂત અરજણભાઈ દિયોરા પોતાના ટ્રેક્ટરમાં ગામ પાસેથી પસાર થતી લિંડીયા નદીમાંથી માટી ભરી રહ્યા હતા. તે સમયે ગામના ત્રણ શખ્સો, રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારી ત્યાં આવી પહોંચ્યા અને 'આ માટી તારા બાપની છે? કેમ ભરે છે?' તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા. અરજણભાઈએ આ નદી જાહેર હોવાનું કહેતા રાજુ ઉશ્કેરાઈ ગયો અને કોદાળીના હાથા વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અરજણભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલો કરનાર ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટીદાર સમાજમાં ભારે રોષ, કાળાતળાવમાં જાહેરસભા

આ ઘટનાના સમાચાર સુરત સુધી પહોંચતા પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ગુરૂવારે મોડી રાત્રે સુરતમાં અંદાજે બે હજારથી વધુ પાટીદારોની તાત્કાલિક બેઠક મળી હતી. આ બેઠક બાદ આજે સવારે સુરતથી 100થી વધુ પાટીદારોનો કાફલો કાળાતળાવ જવા રવાના થયો હતો. આજે 8 ઓગસ્ટ, 2025ના રોજ સાંજે 5 વાગ્યે કાળાતળાવ ખાતે પાટીદાર સમાજ દ્વારા એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ એલર્ટ થઇ ગઇ છે. 

Tags :