વડતાલના વિઝા કમિશન એજન્ટ સાથે રૂપિયા 75.05 લાખની છેતરપિંડી
- કસ્ટમરને કેનેડાના વર્ક પરમિટ પર મોકલવાના બહાને
- એજન્ટ 5 ક્લાયન્ટને બેંગકોક મૂકીને આવ્યા બાદ માત્ર પાસપોર્ટ જ મળ્યા : રાજસ્થાનના 4 ગઠિયાઓ વિરૂદ્ધ ગુનો
નડિયાદ : નડિયાદ તાલુકાના વડતાલના ઘેર બેઠા વિદેશ મોકલવાનું કામ કરતા વિઝા કમિશન એજન્ટે રાજસ્થાનના જયપુરમાં રહેતા એજન્ટને પોતાના કસ્ટમરના કેનેડાના વર્ક પરમિટનું કામ સોંપ્યું હતું. જયપુરના ચાર લેભાગુ ઈસમોએ કસ્ટમરને કેનેડા વર્ક પરમિટ પર મોકલવાના બહાને વડતાલના એજન્ટ પાસેથી રૂ.૭૫.૦૫ લાખ પડાવી જાનથી માગી નાખવાની ધમકી આપી મોબાઇલ બંધ કરી દીધા હતા. આ બનાવ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા વડતાલના વિઝા કમિશન એજન્ટે વડતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે.
નડિયાદ તાલુકાના વડતાલ રેલવે સ્ટેશન રોડ પર રહેતા ઈશ્વરભાઈ પ્રજાપતિ ઘરે બેઠા વિઝા કમિશન એજન્ટનું કામ કરે છે. સવા વર્ષ અગાઉ ઈશ્વરભાઈ પ્રજાપતિના ફેસબુક એકાઉન્ટ પર રિકવેસ્ટ એક્સેપ્ટ કરતા ઈશ્વરભાઈ પ્રજાપતિ સાથે મેસેજથી વિઝાનું કામ આપવા બાબતે સામાવાળાએ વાતચીત કરી હતી. ઈશ્વરભાઈ પ્રજાપતિ જયપુર ખાતેની સ્કાય સરફેશ ઈમિગ્રેશન ઓફિસ પર તા.૧૧/૨/૨૦૨૪ના રોજ ગયા ત્યારે રાહુલકુમાર નામના ઇસમે અન્ય પાર્ટનર અજય સાથે મુલાકાત કરાવી અમે અગાઉ ઘણા કસ્ટમરોને કેનેડા ખાતે મોકલી આપ્યા હોવાનું જણાવ્યું હતું. બીજા પાર્ટનર અભિલક્ષ શર્મા અને રોહિત નૈયર (બંને રહે.કેનેડા) સાથે ફોન પર વાતચીત કરાવી હતી. આ બંને લોકોને કેનેડા એમ્બેસીમાં અમારે ઇમિગ્રેશન વિભાગમાં સેટિંગ છે જેથી બેંગકોકથી એક મહિનામાં પેસેન્જરને વર્ક પરમીટ સાથે લીગલી કેનેડા ખાતે ઉતારી દેવાશે તેવી ગેરંટી આપી હતી. એટલું જ નહીં કેનેડા પહોંચી ગયા બાદ કન્ફર્મેશન આવ્યા પછી વ્યક્તિ દીઠ રૂ.૨૫ લાખનું પેમેન્ટ કરવાનું કહી ઈશ્વરભાઈનો વિશ્વાસ મેળવ્યો હતો. ઉપરાંત આ લોકોએ કમિશન એજન્ટ ઈશ્વરભાઈને બેંગકોક બોલાવી પોતાના કામની ખરાઈ કરાવી હતી. જેથી વાતોમાં આવી ગયેલા ઈશ્વરભાઈએ સગા નાના ભાઈ સહિત પાંચ લોકોને કેનેડા મોકલવા તૈયાર કર્યા હતા. તા.૧૮/૩/૨૦૨૪ના રોજ પાંચેય કસ્ટમરને લઈ ઈશ્વરભાઈ બેંગકોક ગયા હતા. જ્યાં બાયોમેટ્રિકના રૂ.૨ હજાર ડોલર અને આ પહેલા રૂ.૭૫ હજાર પણ ઈશ્વરભાઈએ ચૂકવી આપ્યા હતા. બાદમાં રાહુલે ઈશ્વરભાઈને જણાવેલું કે, તમે હવે ભારત પરત જતા રહો અને કેનેડા જવા ઇચ્છતા પાંચ લોકોને બેંગકોક રહેવા દો તમારું કામ થઈ જશે.
ઈશ્વરભાઈ ભારત પરત આવી ગયાના ચાર દિવસ પછી રાહુલે વીડિયો કોલથી પાસપોર્ટમાં કેનેડાના વિઝા લાગી ગયા હોવાનું બતાવી ૨૪ કલાકમાં રૂપિયા ચૂકવી દેવા જણાવતા વિઝા સાચા હોવાનું લાગતા ઈશ્વરભાઈએ ક્લાયન્ટ પાસેથી ૩૨ લાખ સહિત રૂા. ૩૭.૫૦ લાખ આંગડિયાથી મોકલી આપ્યા હતા. વિરેશભાઈ પટેલ નામનો શખ્સ ઘરે આવી રૂા. ૩૫ લાખ લઈ ગયો હતો. બાદમાં બેંગકોક રહેલા પાંચ વ્યક્તિને પાસપોર્ટ મળ્યા હતા પણ કેનેડાના વિઝા- ટિકિટ મળી ન હતી. આમ રાજસ્થાનના ચાર ઇસમોએ રૂ. ૭૫.૦૫ લાખ મેળવી લઈ કસ્ટમરને કેનેડા ન મોકલી કે પૈસા પરત ન આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ઈશ્વરભાઈ માંગીલાલ પ્રજાપતિએ વડતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ, અજય, અભિલક્ષ શર્મા, રોહિત નૈયર તમામ રહેવાસી જયપુર રાજસ્થાનવાળા સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.