Gujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરનો પાર્ષદ મયુરભગત દારૂના નશામાં ચૂર ઝડપાયો

By GS TEAM
28 Feb 20262 mins read
વડતાલ સ્વામિનારાયણ મંદિરનો પાર્ષદ મયુરભગત દારૂના નશામાં ચૂર ઝડપાયો

પાટણવાવ નજીક વાહન ચેકિંગ સમયે ઝપટે ચડયો : સર્પાકાર રીતે કાર ચલાવીને નીકળતા પોલીસે અટકાવીને તલાશી લેતા દારૂની 2 બોટલ પણ મળી  ગુનો દાખલ કરીને કાર્યવાહી 

ધોરાજી, : ધોરાજીના નાની મારડ ગામે બસ સ્ટેન્ડ નજીક પાટણવાવ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ કરતા એક કારમાંથી કેપ્રી-ટીશર્ટ પહેરેલો શખ્સ કેફી પ્રવાહીના ચિક્કાર નશામાં ધૂત હાલતમાં મળ્યો હતો. જેને સકંજામાં લઈને કારની તલાસી લેતા ઈંગ્લિશ દારૂની એક ખાલી બોટલ તેમજ એક ભરેલી બોટલ મળી આવી હતી. જેથી તેની પુછતાછ કરતા વડતાલ સ્વામિનારાયણ મંદિરનો પાર્ષદ મયુર ભગત હોવાનું જણાવતા પોલીસ તેને આવા વેશ અને હાલતમાં જોઈને ચોંકી ઉઠી હતી. આખરે તેને પોલીસ સ્ટેશને લાવીને પ્રોહિબિશન સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાટણવાવ પોલીસ સુત્રોએ જણાવ્યું કે, પાટણવાવ-ધોરાજી વચ્ચે આવેલા નાની મારડ ગામ નજીક ગઈકાલે મધરાત્રે પેટ્રોલિંગ સમયે શંકાસ્પદ વાહનો ચેક કરતા એક શંકાસ્પદ વ્યક્તિ પોતાની ફોરવ્હીલ ગાડી આડી-અવળી, સર્પાકાર રીતે ચલાવીને આવતો દેખાતા, તેને અટકાવીને તપાસ કરતા ચિક્કાર નશામાં હતો. જેથી તેને નામ-ઠામ પુછતાં પોતાનું નામ તોતડાતી જીભે પાર્ષદ મયુરભગત ગુરુ સ્વામી ધર્મપ્રસાદજી વિજયપ્રકાશ દાસજી હરીજીવન દાસજી મૂળ નામ પાર્ષદ પરેશભાઈ ત્રિવેદી (ઉં. 39, રહે. વડતાલ સ્વામીનારાયણ મંદિર, મૂળ નાના સમઢીયાળા, તા.ઉના, હાલ ઉપલેટા) હોવાનું જણાવ્યું હતું. તેની આંખો જોતાં નશાથી ઘેરાયેલી લાલ થઈ ગઈ હતી અને તેનું મોઢુ સૂંઘતાં દારૂ પીધેલાની પૂષ્કળ વાસ આવતી હતી અને ઉભો પણ રહી શકતો નહોતો. જેથી દારૂ પીવાની પરમીટ માંગતા એ પણ નહોતી. 

બાદમાં કારની તલાસી લેતા પરપ્રાતીય ઈંગ્લિશ દારૂની એક ખાલી બોટલ અને એક ભરેલી બોટલ મળી હતી. જેથી દારૂ, કાર, મોબાઈલ ફોન સહિત રૂા.2.45 લાખથી વધુના મુદામાલ સાથે પાર્ષદ મયુરભગતની ધરપકડ કરીને પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન કલમ-65 (A)(E), 116 (બી) તથા દારૂ પી ગાડી ચલાવવા બાબતે એમ.વી. એક્ટ કલમ 185 મુજબની અલગથી ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.