Gujarat

વડતાલમાં યોજાયો પાટોત્સવ, 201 વર્ષ પહેલા મંદિરમાં શ્રી હરિએ કરી હતી આદિદેવોની સ્થાપના

By GS TEAM
3 Nov 20252 mins read
TukuTouch Logo
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામ ખાતે શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો. જે અંતર્ગત રવિવારે (બીજી નવેમ્બર) મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મી નારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો 201મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ભવ્યતાથી સંપન્ન થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડતાલમાં યોજાયો પાટોત્સવ, 201 વર્ષ પહેલા મંદિરમાં શ્રી હરિએ કરી હતી આદિદેવોની સ્થાપના

Swaminarayan Mandir Vadtal: સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામ ખાતે શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો. જે અંતર્ગત રવિવારે (બીજી નવેમ્બર) મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મી નારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો 201મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ભવ્યતાથી સંપન્ન થયો હતો.

વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, 'વડતાલધામ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસનાનું કેન્દ્ર છે. શ્રી હરિએ આજથી 201 વર્ષ પૂર્વે સ્વહસ્તે શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિદેવોની સ્થાપના કરી હતી. 


દિવ્ય અભિષેક અને અન્નકૂટ દર્શન 

સવારે મંગળા આરતી બાદ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. લાલજી મહારાજશ્રી તથા મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી, પ્રભાનંદજી સહિતના સંતો મહંતોના હસ્તે અભિષેક સંપન્ન થયો હતો. અભિષેક બાદ આચાર્ય મહારાજે યજમાન પરિવારના સભ્યોનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. 201મા પાટોત્સવ અંતર્ગત દિવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિષેક તથા અન્નકૂટ દર્શનનો લાભ લેવા વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.


પાર્ષદોને ભાગવતી દીક્ષા અપાઈ

પાટોત્સવના અનુસંધાને નંદસંતોની ધર્મશાળા ખાતે આવેલ સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને 14 પાર્ષદોને આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ભાગવતી દીક્ષા પ્રદાન કરી હતી. આચાર્ય મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજદિન સુધીમાં કુલ 932 પાર્ષદોને ભાગવતી દીક્ષા પ્રદાન કરી ચૂક્યા છે, જેમાં વડતાલના 480, જૂનાગઢના 380, ગઢપુરના 63 અને ધોલેરાના 8 પાર્ષદોનો સમાવેશ થાય છે, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે.

આ પણ વાંચો: સુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ

26 બહેનોને સાંખ્યયોગીની દીક્ષા આપાઈ

આ ઉપરાંત, પૂ. લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળા માતૃશ્રીએ આજે 26 બહેનોને સાંખ્યયોગીની દીક્ષા આપી હતી. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે નવદીક્ષિત સંતોને કંઠી, યજ્ઞોપવિત તથા ગુરુમંત્ર આપીને ગુરુની આજ્ઞામાં રહેવા, શાસ્ત્રોનો અભ્યાસ કરવા અને સત્સંગનું સંવર્ધન કરવાની શીખ આપી હતી. નવદીક્ષિત સંતોનું સભામંડપમાં ઉપસ્થિત ભક્તોએ હર્ષભેર સ્વાગત કર્યું હતું.

ધર્મદેવ જન્મોત્સવ અને હાટડી દર્શન 

દિવસ દરમિયાન અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. બપોરે 12 કલાકે મંદિરમાં શ્રી ધર્મદેવના જન્મોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. તેમજ સાંજે 4 કલાકે મંદિરમાં શ્રી ધર્મદેવ-ભક્તિમાતા તથા શ્રી વાસુદેવજીના દેરામાં હાટડી ભરવામાં આવી હતી, જેના દર્શન માટે પણ ભક્તોએ લાભ લીધો હતો.