Get The App

એજ્યુકેશન હબ વિદ્યાનગરમાં પકડાયેલા 63 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વડોદરાની ઝરીના ઝડપાઇ

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
એજ્યુકેશન હબ વિદ્યાનગરમાં  પકડાયેલા  63 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વડોદરાની ઝરીના ઝડપાઇ 1 - image

વડોદરાઃ એજ્યુકેશન હબ ગણાતા વિદ્યાનગરમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચડાવવાના કારસાના ભાગરૃપે પકડાયેલા રૃ.૬૩ લાખના ડ્રગ્સનું કનેક્શન વડોદરામાં ખૂલતાં ડ્રગ્સના કેસોમાં બહુચર્ચિત બનેલી તાંદલજાની મહિલાને પોલીસે ઝડપી પાડી છે.

બે મહિના પહેલાં આણંદની વિદ્યાનગર પોલીસે કરમસદ નજીકથી સ્કૂટર પર જઇ રહેલા પરવેઝ હકીમ સૈયદ(અલહયાત કોમ્પ્લેક્સ,નાની ખોડિયારરોડ,આણંદ) અને  મોહસીનખાન સિરાજખાન પઠાણ(પઠાણ વાડો,વાલસણ)ને ઝડપી પાડયા હતા.

પોલીસે બંને પાસેથી રૃ.૬૩ લાખની કિંમતનું ડ્રગ્સ,સ્કૂટર અને બે મોબાઇલ કબજે કર્યા હતા.તપાસ દરમિયાન ડ્રગ્સનું કનેક્શન વડોદરાના તાંદલજા વિસ્તારમાં ખૂલતાં આણંદ પોલીસે વડોદરા એસઓજીની મદદ લીધી હતી.

વડોદરા પોલીસે તાંદલજામાં બેસીલ સ્કૂલ સામે શકીલાપાર્કમાં રહેતી ઝરીના અબ્દુલ ઇબ્રાહિમ પટેલને તેના મકાન પાસેથી ઝડપી પાડી આણંદ પોલીસને સોંપવા તજવીજ કરી છે.

ઝરીના તેનો પતિ અને  પુત્ર અગાઉ પણ ડ્રગ્સના કેસોમાં પકડાઇ ચૂક્યા છે

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,તાંદલજાની ઝરીના પહેલીવાર નથી પકડાઇ.ત્રણેક મહિના પહેલાં રૃ.૧૫ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં તેનો પતિ અબ્દુલ અને ધુ્રવ ચૌધરી પકડાયા હતા.જેમાં ડ્રગ્સ લાવનાર પુત્ર આદીબ અને તેને રાખનાર ઝરીનાની પણ ધરપકડ થઇ હતી.આ પહેલાં પણ ઝરીના,અબ્દુલ અને આદીબ સામે ડ્રગ્સના કેસ થયા હતા.

Tags :