વડોદરાની મહીમાં નવું પાણી આવતા અને રાયકા-દોડકા કૂવા આસપાસ શિલ્ટીંગથી ડહોળા પાણીની સમસ્યા
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી ખાતે આવેલા ચાર ફ્રેન્ચ કૂવા પૈકી રાયકા અને દોડકા કૂવા આસપાસ શિલ્ટિંગ થયું હોવાથી તેમજ મહી નદીમાં નવા પાણીની આવક સાથે માટી અને કાંપ તણાઈને આવતા પાણીમાં ડહોળાશ વધી છે. જેના કારણે પાંચ લાખ લોકોને પાણી ડહોળું મળશે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મહી નદીમાં પાણી છોડવામાં આવતા નદીમાં જળસ્તર વધ્યું છે.
જોકે દર વર્ષે ચોમાસામાં મહી નદીમાં ઉપરવાસથી પાણી છોડવામાં આવતા પાણીની સાથે માટી અને કાંપ પણ તણાઈને આવે છે, જેના કારણે પાણી ડહોળું બને છે. માટી અને કાંપ ફ્રેન્ચ કૂવાની આસપાસ જામી જતા કૂવાના રેડિયલને પણ અસર થાય છે, અને પાણી કુદરતી રીતે ગળાઈને ચોખ્ખું આવતું નથી. રાયકા અને દોડકા કૂવામાંથી પાણી મેળવતી શહેરની 10 ટાંકી અને ચાર બુસ્ટર હેઠળના વિસ્તારમાં ડહોળા પાણીનો પ્રશ્ન રહેશે, એટલું જ નહીં પાણી હળવા દબાણથી અને ઓછા સમય માટે આપવામાં આવશે. જેથી કોર્પોરેશને લોકોને પાણી ગાળીને, ઉકાળીને ફટકડી નાખીને ચોખ્ખું કરીને પીવા અપીલ કરી છે. આ બંને કૂવામાંથી સમા, પૂનમ નગર, છાણી, નોર્થ હરણી, કારેલીબાગ, સયાજી બાગ, જેલ રોડ, લાલબાગ, આજવા રોડ અને પાણીગેટ ટાંકી ઉપરાંત ખોડીયાર નગર, એરપોર્ટ, વારસિયા અને બકરાવાડી બુસ્ટર હેઠળના વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા રહેશે. ચોમાસુ પૂર્ણ થતા નદીમાં પાણીનું લેવલ ઘટે ત્યારબાદ કૂવાના રેડિયલની સફાઈ કરવામાં આવે છે, અને માટી તથા કાંપ સાફ કર્યા બાદ પાણી ચોખ્ખું મળે છે.