Gujarat

શ્વેતપત્ર બહાર પાડીને વડોદારનો વિકાસ તબક્કાવાર આગળ લઈ જવાશે

By GS TEAM
13 Sep 20252 mins read
શ્વેતપત્ર બહાર પાડીને વડોદારનો વિકાસ તબક્કાવાર આગળ લઈ જવાશે

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુક્તપણે યોજેલા ઈલેટસ અર્બન ઈનાવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં હરિયાળા વિકાસ, સુશાસન, મૂળભૂત સુવિધાઓ,પર્યાવરણ સંરક્ષણ, શહેરી વ્યવસ્થાપનમાં એઆઈની ભૂમિકા, શહેરી માળખાગત સવલતમાં લોકભાગીદારી વગેરે મુદ્દે ચર્ચા કરીને તેના આધારે શ્વેતપત્ર બહાર પાડશે.

આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીને કાયાકલ્પ કરવાના પ્રોેજક્ટનો એક તબક્કો પૂર્ણ થયો છે અને બાકી કામગીરી અને બીજો તબક્કો એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. સ્વચ્છતા પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે જનસહભાગિતા વિના સ્વચ્છતા અધૂરી છે.

મ્યુનિસિપલ કમિશનર અરૃણ મહેશ બાબુએ કહ્યું હતું કે, રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાકોર્પોરેશને શહેરી વિસ્તારમાં વિકાસની સાથે લોકસુવિધાઓમાં વધારો કરવાની નવીન પહેલના ભાગરૃપે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે રાજ્યના વિકાસ માટે વાઈબ્રન્ટ સમિટ યોજાય છે, તે રીતે આ એવું જ સમિટ છે, જે વડોદરાની વિકાસગાથા લખશે. વડોદરા આવું સમિટ યોજનાર પ્રથમ શહેર છે. વિકસિત વડોદરાનું ૨૦૪૭નું જે વિઝન છે તેના પરિપ્રેક્ષ્યમાં જ આ સમિટિ યોજાઈ રહી છે. જુદા જુદા ક્ષેત્રના ૬૦થી વધુ સ્પીકર્સના મંતવ્યો અને અભિપ્રાયો મેળવીને વડોદરાના વિકાસને તબક્કાવાર આગળ લઈ જવાશે. જે શ્વેતપત્ર બહાર પાડવામાં આવશે તે ગ્રિટ (ગુજરાત ઈન્સ્ટિટયૂશન ફોર ટ્રાન્સફોર્મેશન) અને રાજ્ય સરકારને સુપરત કરાશે, અને સરકારની મંજૂરી લઈ કામ આગળ ધપાવાશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્વચ્છતા  પ્રાથમિકતા રહેશે અને આવતા વર્ષે વડોદરાનો રેન્ક સ્વચ્છતામાં અગ્રસ્થાને રહે તેવા પ્રયાસ કરાશે. સ્વચ્છતામાં જનભાગીદારી ખૂબ અગત્યની છે. વડોદરાના લોકો સ્વચ્છતા મુદ્દે સિવિક સેન્સ સુધારે તે જરૃરી છે. કોર્પોરેશન સ્વચ્છતા પખવાડિયું અને વન ડે વન વોર્ડ કાર્યક્રમ સ્વચ્છતા માટે શરૃ કરનાર છે.