શહેરની માંજલપુર પાણીની ટાંકી ખાતે સફાઈ બાદ મેનહોલ ખુલ્લો રહેતા નાગરિકનું મોત થયું હતું. જેમાં ઈજારદારની બેદરકારી સામે આવતા મ્યુ. કોર્પોરેશને તેને બ્લેકલિસ્ટ કરવાની મંજૂરી આપી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી છે.
મ્યુ. કોર્પોરેશન હસ્તક પાણી પુરવઠા શાખા દ્વારા શહેરમાં પાણી વિતરણ કરતી અંદાજે 30 પાણીની ટાંકી તેમજ ડિસ્ટ્રિબ્યુશન સાથે જોડાયેલા ભૂગર્ભ સંપની સફાઈ દર બે વર્ષે કરવામાં આવે છે. વર્ષ 2024-25 દરમિયાન વડોદરા શહેરમાં આવેલી પાણીની ટાંકી અને ભૂગર્ભસંપની સફાઈનો ઈજારો પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા ઈજારદાર ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસને આપવામાં આવ્યો હતો. આ ઈજારદાર દ્વારા તા. 6 જાન્યુઆરી 2025થી વિવિધ ટાંકીઓની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે તા. 26 ડિસેમ્બરે માંજલપુર ટાંકી પરથી સવારનું પાણી વિતરણ પૂર્ણ થયા બાદ ભૂગર્ભ સંપની સફાઈ હાથ ધરવામાં આવી હતી. ઈજારદાર દ્વારા સાંજે 7:00 વાગ્યે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જો કે સફાઈ કામગીરી બાદ માંજલપુર ટાંકીની બહાર આવેલ મેનહોલ ઈજારદાર દ્વારા બંધ કરવામાં ન આવતા નાગરિકનું મેનહોલ ચેમ્બરમાં પડી જતાં મોત થયું હતું. ઈજારદારની બેદરકારી હોવાનું પ્રાથમિક રીતે જણાતા ઈજારદારને બ્લેકલિસ્ટમાં મુકવાની મંજૂરી સાથે દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી ઈજારદાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા જણાવ્યું છે. ઉપરાંત, આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી પાણી પુરવઠા વિભાગના એડીશનલ આસિસ્ટન્ટ ઈજનેરને કારણદર્શક નોટિસ ફટકારી છે.


