Get The App

વડોદરા: કોર્પોરેશનમાં ઘણા વર્ષોથી કામનું ભારણ વધતા અધિકારીઓ-કર્મચારીઓ હવે લડતના મૂડમાં

Updated: Feb 4th, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: કોર્પોરેશનમાં ઘણા વર્ષોથી કામનું ભારણ વધતા અધિકારીઓ-કર્મચારીઓ હવે લડતના મૂડમાં 1 - image

વડોદરા, તા. 04 ફેબ્રુઆરી

નાણાભીડનો સામનો કરતાં વડોદરા કોર્પોરેશનમાં મહેકમના પગલે હવે ગૃહયુધ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. છેલ્લા ઘણા વર્ષોથી વધારાનું ભારણ વેઠતા અધિકારીઓ-કર્મચારીઓની રજૂઆતોની કમિશનરે અવગણના કરતા હવે તેઓ લડતના મૂડમાં જોવા મળ્યા છે. તાજેતરમાં પાંચ અધિકારીઓએ કાયમી નિમણૂકની માંગ સાથે વધારાના ચાર્જ અંગે બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ કર્મચારીઓની પણ અછતના પગલે આડેધડ ચાર્જ સોંપી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા કર્મચારીઓ પણ એક સંપ થઇ રજૂઆત કરે તો નવાઈ નહીં.

છેલ્લા કેટલાક વર્ષોથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ-અલગ હુકમો થકી કોર્પોરેશનના ઉચ્ચ હોદ્દાઓનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવી રહ્યો છે. તેવા મુદ્દા પર ઘણા વર્ષોથી અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. પરંતુ તે હોદ્દા પર તેમની કાયમી નિમણૂક કરવામાં આવતી નથી. આ ઉપરાંત વધારાની કામગીરીનું વેતન તથા અન્ય એલાઉન્સ સહિતના લાભો પણ આપવામાં આવતા નથી. ઉપરોક્ત ફરિયાદ અંગે અધિકારીઓએ વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરી છે. પરંતુ આજદિન સુધી અધિકારીઓને કાયમી નિમણૂક તથા અન્ય એલાઉન્સ સહિતના લાભો મળ્યા નથી. ચાલુ માસમાં સિટી એન્જિનિયર શૈલેષ ભાઈ મિસ્ત્રી નિવૃત્ત થાય છે. આ ઉપરાંત આઠ મહિના બાદ ટાઉન પ્લાનીંગ વિભાગના જીતેશ ત્રિવેદીની પણ નિવૃત્ત થવાના છે. પરિણામે અધિકારીઓને વધુ ચાર્જનું ભારણ વધવાની આશંકા છે. જેથી અધિકારીઓએ વધારાની કામગીરી નકારી કમિશનરની સામે બાંયો ચઢાવી છે. અને આ પરિસ્થિતિનું નિર્માણ થાય તે અગાઉ  કાયમી નિમણૂકની માંગ કરી છે. આ ઉપરાંત કોર્પોરેશનમાં કર્મચારીઓની પણ ઘટ હોય વિવિધ વિભાગોમાં કામગીરી અસરગ્રસ્ત બની છે. કર્મચારીઓને પણ એક થી વધારે જવાબદારી સોંપવામાં આવી રહી છે. જો કોઈ કચેરીનો એક કર્મચારી રજા ઉપર જાય તો સમગ્ર કચેરીની કામગીરી અસરકારક બની રહી છે . વર્ગ-03 ના કર્મચારીઓને વર્ગ- 02 નો પણ હવાલો સોંપવામાં આવ્યો છે. તેવી જ રીતે પટાવાળા ની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયમાં અનેક પટાવાળા નિવૃત્ત થયા છે પરંતુ તેઓની ખાલી જગ્યા સામે ભરતી પ્રક્રિયા હાથ ન ધરાતા હાલ એક પટાવાળો રજા પર ઉતરે તો મુશ્કેલી ઉભી થાય છે. આ ઉપરાંત તાજેતરમાં બજેટમાં નવા કર્મચારીઓની ભરતી સામે પણ સવાલો ઊભા થાય છે કારણ કે જૂના વહીવટી વર્ષની સરખામણીએ નવા 07 વહીવટી વોર્ડની ભરતી પ્રક્રિયા પણ ગણતરીના લોકોની હોય ડામાડોળ કહી શકાય.

કોર્પોરેશનમાં 10,235 જગ્યાઓ સામે 3726 જગ્યાઓ ખાલી

કલાસ 1 વર્ગમાં 64 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી છે. કલાસ 2 વર્ગમાં 329 જગ્યા સામે 117 જગ્યાઓ ખાલી છે. કલાસ 3 વર્ગમાં 3330 જગ્યા સામે 1721 જગ્યાઓ ખાલી છે. અને કલાસ 4 વર્ગમાં 6512 જગ્યા સામે 1850 જગ્યાઓ ખાલી છે. આમ કોર્પોરેશનમાં કલાસ 1, 2 ,3 અને 4 વર્ગમાં 3726 જગ્યાઓ ખાલી છે. તેથી અધિકારીઓ અને કર્મચારીઓની અછતને પગલે અસર કામગીરી ઉપર પણ વર્તાઈ રહી છે.