વડોદરા: રથયાત્રાના રૂટ પર રથને નડતી વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ થશે
- અત્યાર સુધીમાં 25 થી વધુ વૃક્ષની ડાળીઓ કાપી
- રૂટ પર રોડ પેચ વર્ક કરાયું
વડોદરા, તા. 19 જૂન 2023, સોમવાર
વડોદરામાં અષાઢી બીજ નિમિત્તે દર વર્ષની માફક ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, વડોદરા સ્ટેશનથી શરૂ થતી આ રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરે છે રથયાત્રાના રૂટ દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા રોડ પર જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં પેચ વર્ક કરવાની તેમજ વૃક્ષોની ભગવાનના રથને નડતર રૂપ ડાળીઓ કાપવાની કામગીરી કરવામાં આવી છે .ત્રણ દિવસ અગાઉ શહેરમાં વાવાઝોડાની અસર હેઠળ સતત પવન ફૂંકાતા રહેતા તેમજ તોફાની વરસાદથી સંખ્યાબંધ વૃક્ષો પડી ગયા હતા અને અસંખ્ય વૃક્ષોની ડાળીઓ નમી ગઈ હતી.
ફાયર બ્રિગેડ દ્વારા તેમજ કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષો પડવાના અસંખ્ય કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા. આમ પણ છેલ્લા બે ત્રણ દિવસથી નમી ગયેલા વૃક્ષોની ડાળીઓનું ટ્રીમીંગ શરૂ કરી દેવામાં આવેલું હતું જ. સમગ્ર શહેર માટે કોર્પોરેશન દ્વારા 18 ટીમો આ માટે કામે લગાડવામાં આવી હતી. જોકે રથયાત્રા રૂટ પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં હોવાથી ત્યાં રૂટ પર રથને નડી શકે તેવી વૃક્ષોની ડાળીઓ કાપવા ત્રણ ટીમ મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં આવી 25 ડાળીઓ કાપવામાં આવી છે. હવે થોડું કામ બાકી છે તે આજ સાંજ સુધીમાં પૂરું કરી દેવાશે.