Vadodara Crime News: વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં ત્રણ દિવસ પહેલા થયેલા યુવકના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, યુવકનું કુદરતી મોત નહીં પરંતુ તેની મંગેતરે જ કરપીણ હત્યા કરી હતી. રેલવેમાં નોકરી કરતી યુવતીએ પોતાના મંગેતરને ઊંઘમાં જ દુપટ્ટા વડે ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમ સંબંધ અને સગાઈ બાદ તકરાર
મૂળ છોટાઉદેપુરના રોઝકુવા ગામનો સચિન રાઠવા જેતપુર ખાતે ખાનગી દુકાનમાં નોકરી કરતો હતો. તેને તે જ જિલ્લાના દેવલિયા ગામની રેખા શકુભાઈ રાઠવા સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. મે 2025માં બંનેની સામાજિક રીતે સગાઈ થઈ હતી. દરમિયાન, રેખાને તેના પિતાના અવસાન બાદ રહેમરાહે વડોદરા પ્રતાપનગર રેલવે કોલોનીમાં નોકરી મળી હતી. છેલ્લા છ મહિનાથી સચિન અને રેખા સાથે રહેતા હતા.
શંકા અને લગ્ન કરવાની ના પાડી
સચિનને શંકા હતી કે રેખાને અન્ય કોઈ યુવક સાથે સંબંધ છે, જે બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. ગત 29 ડિસેમ્બર 2025ના રોજ સચિને તેના પિતાને ફોન કરી જણાવ્યું હતું કે, રેખા લગ્ન કરવાની ના પાડે છે, ડીજે-બગી બધું કેન્સલ કરાવી દો, તે મને હેરાન કરે છે.' આ ફોન બાદ બપોરે રેખાએ સચિનના પિતાને ફોન કરીને નાટક કર્યું હતું કે, 'સચિન સૂતો છે પણ જાગતો નથી, તમે જલ્દી આવો.'
પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો
સચિનના પિતા વડોદરા પહોંચ્યા ત્યારે રેખાએ ખોટી વાર્તા કહી હતી કે સચિન સાહેબને મૂકીને આવ્યા બાદ સૂઈ ગયો છે. જોકે, પોલીસને શંકા જતાં મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે સચિનનું મોત ગળાફાંસો આપવાને કારણે થયું છે. ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું કે રેખાએ સચિન સૂતો હતો ત્યારે જ પોતાના દુપટ્ટા વડે ગળાના ભાગે ટૂંપો દઈ તેની હત્યા કરી નાખી હતી.
અન્ય કોઈની સંડોવણીની શંકા
પોલીસને શંકા છે કે સૂતેલા વ્યક્તિને એકલી યુવતી ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારે તે વાતમાં કંઈક ખૂટે છે. આ હત્યામાં રેખાની મદદ કરનાર અન્ય કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે. હાલ પોલીસે રેખા સામે હત્યાનો ગુનો નોંધી આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.


