વડોદરામાં શહેરની સાથે ગ્રામ્ય ડીઈઓ કચેરી કાર્યરત થશે

વડોદરાઃ રાજ્ય સરકારે શિક્ષણ વ્યવસ્થાપનને વધારે સરળ બનાવવા માટે રાજ્યમાં ૬ નવી ડીઈઓ (જિલ્લા શિક્ષણાધિકારી) કચેરી ખોલવાની જાહેરાત કરી છે અને તેમાં વડોદરાનો પણ સમાવેશ થાય છે.
આ જાહેરાત પ્રમાણે હવે વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્ય એમ બે ડીઈઓ કચેરી રહેશે.વડોદરા શહેર ડીઈઓ કચેરી હેઠળ ૭૨૦ અને ગ્રામ્ય કચેરી હેઠળ ૨૯૮ શાળાઓનો સમાવેશ કરવામાં આવશે.ગ્રામ્યની ડીઈઓ કચેરી વર્તમાન ડીઈઓ કચેરીના સંકુલમાં આવેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના ત્રીજા માળે કાર્યરત થશે.
સરકારે ડીઈઓ કચેરીના સંચાલન માટે વર્તમાન કચેરીની મંજૂર થયેલી ૪૫ જગ્યાઓમાંથી ૧૩ જગ્યાઓ ફાળવવાનું નક્કી કર્યું છે.જેમાં બે શિક્ષણ નિરીક્ષક, ત્રણ મદદનીશ શિક્ષણ નિરીક્ષક, ત્રીજા વર્ગના ૬ કર્મચારીઓ અને ચોથા વર્ગના બે કર્મચારીઓનો સમાવેશ થાય છે.
જોકે હજી સુધી શિક્ષણ વિભાગ દ્વારા ડીઈઓના નામની જાહેરાત કરવામાં આવી નથી.

